બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે, બદમાશોએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ટોળું પસંદગીપૂર્વક હિંદુઓને નિશાન બનાવી રહ્યું છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે, દુકાનો લૂંટાઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મેહરપુર ઈસ્કોન મંદિરની તસવીરો સામે આવી છે. તોફાનીઓએ આ મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી.
બાંગ્લાદેશી મીડિયા ડેલી સ્ટારના અહેવાલ મુજબ, 27 જિલ્લામાં હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી છે. મંદિરો પર પણ હુમલા થયા છે. રીપોર્ટ્સ અનુસાર, લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં ધાર્મિક હિંદુ કાર્યો સાથે સંકળાયેલા પૂજા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરમાં તોડફોડ કરવામાં આવી અને લૂંટફાટ કરવામાં આવી.
નગરપાલિકાના સભ્ય મુહિન રોયની કોમ્પ્યુટર દુકાનમાં પણ તોડફોડ કરવા સાથે લૂંટફાટ કરવામાં આવી. કાલીગંજ ઉપજિલ્લાના ચંદ્રપુર ગામમાં 4 હિન્દુ પરિવારોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી. હાતિબંધા ઉપજિલ્લાના પુરબો સરદુબી ગામમાં 12 હિંદુઓના ઘરોમાં આગ લગાવવામાં આવી. પંચગઢમાં ઘણા હિંદુ ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે.
ઓઇક્યા પરિષદના મહાસચિવે કહ્યું કે એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બાકી નથી જ્યાં હિંદુઓ પર હુમલો ન થયો હોય. તેમને સતત અલગ-અલગ વિસ્તારોમાંથી હુમલાની માહિતી મળી રહી છે, રિપોર્ટ અનુસાર હિંદુઓને ઘરની બહાર નીકાળી મારવામાં આવી રહ્યા છે. આ હુમલાઓને કારણે હિંદુઓ ભયના છાયામાં જીવી રહ્યા છે. હુમલાખોરોએ શહેરના રેલબાઝારહાટમાં એક મંદિરમાં પણ તોડફોડ કરી હતી.
વડાપ્રધાન શેખ હસીનાએ બે મહિનાથી ચાલી રહેલાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ સોમવારે એટલે કે 5 ઓગસ્ટે રાજીનામું આપી દીધુ અને આ પછી તેઓ દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત પહોંચ્યાં હોવાના અહેવાલ છે. તેમના C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સાંજે 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર સ્પોટ કરવામાં આવ્યુ હતુ. સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ લગભગ એક કલાક સુધી એરબેઝ પર તેમને મળ્યા. એવી માહિતી છે કે તેઓ અહીંથી લંડન, ફિનલેન્ડ કે અન્ય કોઈ દેશમાં જઈ શકે છે.