શું તમારા મોબાઈલમાં પણ આજે મેસેજ આવ્યો છે ? ભગતસિંહ સાથે ત્રણ વીરોને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી ? જાણો શું છે હકીકત

દેશભરમાં આજે પ્રેમનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. તો બીજી તરફ આજે તમારા મોબાઈલમાં પણ એક મેસેજ આવશે કે આજે શહીદ દિવસ છે. પરંતુ તેની પાછળની સાચી હકીકત મોટાભાગના લોકો નથી જાણતા. આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે, પ્રેમીઓનો દિવસ, પ્રેમનો દિવસ. આ દિવસે ઘણા લોકોની પ્રેમ કહાણીનો આરંભ થતો હોય છે તો ઘણા દિલ તૂટતાં પણ હોય છે, ઘણા સમયથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે જેને આ દિવસ માટે રોષ હોય છે, ઈર્ષા હોય છે અને એ લોકો આ દિવસનો વિરોધ પણ કરે છે, પ્રેમીઓને મળતા અટકાવે છે તો કોઈપણ રીતે તેમને હેરાન કરવાના કાવતરા કરતા હોય છે.

આ દિવસે એક ખાસ વાત જોવામાં આવે છે, કે ઘણા લોકો આ દિવસને શહીદ દિવસ તરીકે માને છે, અને દેશના લોકોને એ રીતે ઉપસાવે છે કે આજના જ દિવસે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી હતી, સોશિયલ મીડિયામાં પણ આ દિવસને લઈને ઘણી પોસ્ટ પણ ફેલાતી હોય છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે શું આ વાત સાચી છે? કારણ કે પ્રેમ અને દેશભક્તિ વચ્ચે હંમેશા જીત દેશભક્તિની જ થાય છે અને લોકો આ વાતને સાચી પણ માનતા હોય છે.

પરંતુ આજે આ તથ્ય હું તમારી સામે લાવીશ, શું ખરેખર 14 ફેબ્રુઆરી એટલે શહીદ દિવસ છે? શું આજ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા? તો મેં મારા સંશોધન મુજબ આ વાતની તપાસ કરી તો આ સાવ ઉપજાવી કાઢેલી વાત છે, આ વાતમાં કોઈ તથ્ય નથી, દૂર દૂર સુધી આ વાત સાથે વેલેન્ટાઈન ડેને કોઈ લેવા દેવા પણ નથી. બસ આ એક અફવા છે, વિરોધ કરનારા લોકોને પ્રેમનો વિરોધ કરવો છે અને તેમને હથિયાર બનાવ્યું છે દેશભક્તિને? પણ શું આ જુઠ્ઠ્ઠાણું આપણે ફેલાવવું જોઈએ કે રોકવું જોઈએ?

દેશભક્તિના નામ ઉપર આ રીતે લોકોને ગુમરાહ કરતા લોકો સામે પણ હવે ખુલીને બોલવાની જરૂર છે, એ લોકોને દેશભક્તિ સાથે કોઈ લેવા દેવા નથી જો એ લોકો સત્ય જાણતા હોત તો ક્યારેય આ રીતે તેમને વિરોધ કર્યો જ ના હોત. એ લોકોને શહીદ ભગત સિંહ, સુખદેવ કે રાજ્યગુરુ વિશે પણ કોઈ માહિતી નથી કે ના એમને એમના ઇતિહાસને જાણ્યો છે ના ક્યારેય વાંચ્યો છે, મને તો બસ પ્રેમના દિવસનો વિરોધ કોઈપણ રીતે કરવો છે એટલે આવી વાતો ઉપજાવી અને દેશભક્તિના નામ ઉપર અફવાઓ ફેલાવી લોકોને અવળા માર્ગ ઉપર લઇ જાય છે.

તમારી સામે સાચી માહિતી ઉજાગર કરું તો શાહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને 14 ફેબ્રુઆરીના રોજ નહિ પરંતુ 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી, અને આપણા દેશમાં 23 માર્ચનો દિવસ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઘણા તથ્યો અનુસાર ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવાની તારીખ 24 માર્ચ,1931 રાખવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર રાતોરાત આ નિર્ણયને બદલી દેવામાં આવ્યો અને 24 માર્ચની જગ્યાએ 23 માર્ચે 11 કલાક પહેલા જ સાંજે 7:30 કલાકે લાહોરની જેલમાં તેમને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા હતા.

ઘણા વિરોધ કરનારા એમ પણ જણાવે છે કે આ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, કારણ કે વિરોધ કરવા વાળા માટે કોઈ બહાનું મોટું નથી હોતું, અને આપણો દેશ પણ હજુ એટલો પાછળ છે કે દેશભક્તિ અને શહીદનું નામ આવતા આપણે એ વાતો વિના વિચારે પણ ફેલાવતા હોઈએ છીએ ક્યારેય એની પાછળ શું તથ્ય રહેલું છે તે જાણવાનો પણ પ્રયાસ કરતા નથી, પરંતુ આ વાત પણ સાવ ઉપજાવી કાઢેલી જ છે.

ક્રાંતિકારીઓને ફાંસી મંજુર થવાની તારીખ સાથે પણ 14 ફેબ્રુઆરીને કોઈ લેવાદેવા નથી, 7 ઓક્ટોમ્બર, 1930 ના રોજ બ્રિટિશ કોર્ટે પોતાના 300 પાનનું જજમેન્ટ સંભળાવ્યું જેમાં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને સાંડર્સ મર્ડર અને એસેમ્બલી બૉમ્બ કાંડમાં આરોપી માની અને ફાંસીની સજા સંભળાવી હતી.

આપણા દિલમાં શહીદો માટે માન છે, સન્માન છે, દેશ માટે પણ પ્રેમ છે , પરંતુ વર્ષમાં એક દિવસ આવતા પ્રેમના દિવસનું બલિદાન શું કામ આ વિરોધીઓ માંગતા હશે? પોતાનો પ્રેમ પણ તેની જગ્યાએ છે તો દેશપ્રેમ પણ તેની જગ્યાએ છે, દેશપ્રેમને હથિયાર બનાવી પ્રેમના આ દિવસનો વિરોધ કરવો કેટલો વાજબી છે?

હા, આટલા વર્ષો સુધી આંખો બંધ કરી અને આપણે આ વાતોને માનતા રહ્યા, પરંતુ ગયા વર્ષે જે થયું તે ખરેખર દુઃખદ છે અને એ ઘટના વિશે આપણને સૌને મોટું દુઃખ પણ છે. પુલવામામાં જે CRPFના જવાનો ઉપર હુમલો થયો અને જે જવાનો શહીદ થઈ ગયા એ તારીખ પણ 14 ફેબ્રુઆરી જ હતી. આ દિવસે આપણે એ તમામ શહીદોને યાદ જરૂર કરવા જોઈએ, એમના એ બલિદાનને ક્યારેય ભુલાય એમ નથી, પરંતુ જે લોકોને વિરોધ કરવો છે એ લોકો માટે પુલવામામાં શહીદ થયેલા શહીદોનું બલિદાન પણ એક મુદ્દો જ છે, અત્યાર સુધી ક્રાંતિકારીઓની ફાંસીના નામે વિરોધ કરતા આવ્યા હવે આ શહીદોના નામ ઉપર પણ વિરોધ કરવાના છે.

દેશના દરેક નાગરિકને દેશ માટે પ્રેમ છે, સન્માન છે પરંતુ જે લોકોને આવા વિરોધો કરવા છે તે લોકોને ના દેશ માટે સન્માન હોય છે ના શહીદો માટે, તેમને તો બસ આવા દિવસોમાં પોતાના રોષનો, પોતાના વિરોધનો રોટલો શેકવો હોય છે, પરંતુ દેશ સામે હકીકત બહુ વધુ સમય સુધી છુપી નથી રહી શકતી, આપણે પણ આવી અફ્વાઓમાંથી બચીએ, દેશની પ્રગતિ માટે કંઈક વિચારીએ, ખોટા વિરોધો અને ખોટી વાતો ફેલાવી આપણે જ દેશને બરબાદી તરફ ધકેલી રહ્યા છે, બીજા દેશો સામે મઝાક બનાવી રહ્યા છે.

પ્રેમના પર્વની ઉજવણી ચોક્કસ કરજો અને આ દિવસે પહેલું ગુલાબ પુલવામામાં શહીદ થયેલા જવાનોને અર્પણ કરજો, પછી તમારા પ્રિયવ્યક્તિને આપજો, દેશ માટે તમારો પ્રેમ પણ વ્યક્ત થઈ જશે અને તમારા પ્રિયપાત્ર સામે પણ અભિવ્યક્ત થઈ જશે અને ખાસ ખોટી અફવાઓ ના ફેલાવશો ના ફેલાવવા દેશો. એજ મારી નમ્ર અપીલ.
જય હિન્દ !! જય જવાન !! વંદે માતરમ !! હેપ્પી વેલેન્ટાઈન ડે !!

Niraj Patel