“આ પારિવારિક મામલો છે, ગેરસમજણના કારણે બધું થયું…” હાર્દિક અને કૃણાલ સાથે સાવકા ભાઈએ કરેલી છેતરપીંડી પર હવે આવ્યો વૈભવ પંડ્યાનો પક્ષ, જુઓ શું કહ્યું ?
Vaibhav Pandya Said In Court : મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન હાર્દિક પંડ્યા એની તેના ભાઈને કરોડોનો ચૂનો લગાવનારા તેમના જ સાવકા ભાઈ વૈભવ પંડ્યાએ આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે. વૈભવ પર ભાગીદારી ફોર્મ દ્વારા હાર્દિક અને કૃણાલને રૂ. 4.3 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે અને ગુરુવારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે મુંબઈની એક કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ અને વૈભવે તેના વકીલ દ્વારા કોર્ટને કહ્યું કે આ આખો મામલો પારિવારિક છે અને ગેરસમજના કારણે જ થયું છે.
વૈભવના પ્રારંભિક રિમાન્ડ પૂરા થયા બાદ તેને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એલ.એસ.પધેન સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન વૈભવના વકીલ નિરંજન મુંદરગીએ કોર્ટને કહ્યું, ‘આ પારિવારિક મામલો છે અને ગેરસમજના કારણે કેસ નોંધવામાં આવ્યો છે.’ મુંદરગીએ એમ પણ કહ્યું હતું કે તેમનો અસીલ તપાસમાં સહકાર આપી રહ્યો છે અને રિમાન્ડ વધારવાની પોલીસની અપીલથી તેમને કોઈ સમસ્યા નથી.
આર્થિક ગુના શાખાએ કોર્ટ પાસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કારણ કે હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી અને આરોપીઓ પાસેથી સામગ્રીની માહિતી મળી નથી. મેજિસ્ટ્રેટે, બંને પક્ષોને સાંભળ્યા પછી, અવલોકન કર્યું કે તપાસ ચાલુ છે અને કેસમાં આગળ વધવા માટે થોડો સમય જરૂરી છે. વૈભવની પોલીસ કસ્ટડી 16 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા હાર્દિક, કૃણાલ અને વૈભવે સંયુક્ત રીતે પોલિમર બિઝનેસ શરૂ કર્યો હતો.
હાર્દિક અને કૃણાલનો તેમાં 40-40 ટકા હિસ્સો હતો, જ્યારે તેમના સાવકા ભાઈ વૈભવ 20 ટકા શેરહોલ્ડર હતા અને બિઝનેસના રોજિંદા કામકાજને સંભાળવા માટે પણ જવાબદાર હતા. ભાગીદારી કરાર મુજબ, નફો ત્રણમાં વહેંચવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આરોપ એવો છે કે વૈભવે હાર્દિક અને કૃણાલને જાણ કર્યા વિના આવો જ બીજો વ્યવસાય શરૂ કર્યો હતો, જે ભાગીદારી કરારનું ઉલ્લંઘન છે.
પરિણામે, આ ત્રણેય વચ્ચેના મૂળ વ્યવસાયના નફામાં ઘટાડો થયો, જેના કારણે તેમને લગભગ 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું. વૈભવ પર એવો પણ આરોપ છે કે તેણે ગુપ્ત રીતે તેનો પ્રોફિટ શેર 20 ટકાથી વધારીને 33.3 ટકા કર્યો હતો, જેની આર્થિક અસર હાર્દિક અને કૃણાલ પર પડી હતી. પંડ્યા બંધુઓને આ વાતની જાણ થતાં તેઓએ પોલીસમાં ફરિયાદ કરતાં મામલો આગળ વધ્યો હતો. જો કે હજુ સુધી આ મામલે હાર્દિક કે કૃણાલ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.