વડોદરા : 10-12 લોકોએ ધારદાર હથિયારથી 23 વર્ષના જુવાનજોધ યુવાનને રહેંસી નાંખ્યો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર કોઇ પ્રેમ સંબંધમાં કે અવૈદ્ય સંબંધમાં હત્યા કરી દેતુ હોય છે. ઘણીવાર કોઇ ઝઘડામાં અદાવત રાખી પછી બદલો લેવાની વિચારધારા રાખી હત્યા કરી દેતુ હોય છે. ત્યારે હાલમાં વડોદરામાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવક પર ડભોઇ રોડ પર સોમા તળાવ બ્રિજ નીચે રાતના સમયે અદાવતમાં 10થી 12 હુમલાખોરોએ હુમલો કર્યો હતો અને તેને રહેંસી નાખ્યો હતો. ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

જો કે, બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આરોપીઓની તપાસ હાથ ધરી હતી. મૃતકનું નામ નિતેશ રાજપૂત હોવાનું તપાસમાં ખુલ્યુ છે. તે 23 વર્ષનો હતો. પોલિસે મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ મોકલ્યો હતો અને મૃતકના ભાઈની ફરિયાદને આધારે વાડી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ અંગે મૃતકના ભાઈએ પોલીસને જણાવ્યુ કે, દંતેશ્વર વિસ્તારમાં દાઢી નામનો એક શખ્સ છે, જેને ત્રણ-ચાર છોકરા છે. તેણે જ કાવતરું ઘડી નિતેશની હત્યા કરી હોવાની શંકા છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

મૃતકના પરિવારજનો અનુસાર, હુમલાખોરો 10થી12 લોકો હતા. તેઓની પ્રવૃત્તિ ચોરી કરવાની છે. દરેક હુમલાખોરો પાસે કોઈને કોઈ હથિયાર હતું. હથિયાર ચાકૂ, ધારિયું અને દાતરડું જેવા હતા. નિતેશ એકલો હોવાને કારણે હુમલાખોરોનો મુકાબલો ન કરી શક્યો. જો કે, તેને સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારથી તેના છાતીના ભાગે 3, કપાળમાં 1 અને પેટના ભાગે 2 ઘા મારવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગાંધીનગરમાંથી હત્યાનો એક ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક 49 વર્ષના આધેડ પર ફાયરિંગ કરીને અને તીક્ષ્ણ હથિયારના 8-10 ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી. 49 વર્ષિય દીલિપસિંહ વાઘેલા પર ગાંધીનગરના કોલવડા ગામથી સોનીપુર તરફ જતાં હનુમાન મંદિર પાસેના ખેતરમાં મિત્રો સાથે જુગાર રમી રહેલાની હત્યા કરવામાં આવી. તેમના પર ફાયરિંગ કરી, તીક્ષ્ણ હથિયારના 8-10 ઘા ઝીંકી હત્યા કરવામાં આવી.

પ્રતિકાત્મક તસવીર

આ ઘટનાને પગલે પેથાપુર પોલીસ સહિત લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. જણાવી દઇએ કે, ચારેક માસ પહેલા એક બોર કૂવા ઉપર દારૂની મહેફિલ દરમિયાન યુવતી બાબતે માથાકૂટ થતાં એક પોલીસ જમાદાર, દસાડાનાં રાજકીય અગ્રણી તેમજ અન્ય એક વ્યક્તિને લાકડીઓ વડે ઢોર માર મારવાના પ્રકરણમાં મરનાર દિલીપસિંહ વાઘેલાનું નામ બહાર આવ્યું હતું. ત્યારે તેઓ ખેતરમાં જુગાર રમી રહ્યા હતા આ દરમિયાન જ કોઈ બાબતે માથાકૂટ થતાં દિલીપસિંહ પર પોઈન્ટ 2.2ની રિવોલ્વર વડે ફાયરિંગ કરવામાં આવ્યુ અને તે બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેમની કરપીણ હત્યા કરવામાં આવી.

Shah Jina