વડોદરાના બીટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીએ પરીક્ષાના 4 કલાક પહેલા જ બિલ્ડિંગના 9માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું

વડોદરાની કાળજું કંપાવી દે તેવી ઘટના: 1 દિવસ પહેલા જ દીકરાએ UPSC ક્લિયર કરવાની વાત કહી હતી અને પરીક્ષાના ચાર કલાક પહેલા જ…

કોરોના મહામારીના કારણે ઘણા લોકો મોતને ભેટી રહ્યા છે, તો ઘણા લોકો આર્થિક સંકળામણમાં આવી અને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે, ઘણા લોકો પ્રેમમાં નિષ્ફ્ળતા મળતા પણ જીવન ટૂંકાવી લે છે. પરીક્ષામાં નાપાસ થવાના કારણે પણ ઘણા વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી દેતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ એવી જ એક ઘટના વડોદરાના જુના પાદર રોડ ઉપરથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરનાં જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં ભણતા 19 વર્ષના આયુષે પરીક્ષાના ચાર કલાક પહેલા જ બિલ્ડિંગના 9માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

(પ્રતીકાત્મક તસવીર)

આયુષને બપોરે 2 કલાકે તેની ઓનલાઇન પરીક્ષા હતી પરંતુ10 વાગે તેને આ અચાનક અંતિમ પગલું ભરતા પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે.જો કે હજુ આયુષના આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહને સયાજી હૉસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે મળતી વધુ માહિતી પ્રમાણે આયુષના પિતા રાજેશ રમણ કુમાર ભદ્રલોક ફ્લેટના 9માં માળે પોતાના પરિવાર સાથે રહે છે અને બેન્ક ઓફ બરોડાની રિજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની અને પુત્રી અને પુત્ર એમ બે સંતાન છે. તેમનો 19 વર્ષીય પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી.ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

પરંતુ હાલ કોરોનાના કારણે તે ઘરેથી જ ઓનલાઇન અભ્યાસ કરતો હતો. બુધવારે બપોરે 2 કલાકે તેની ઓનલાઈન પરીક્ષા હતી. જેના ચાર કલાક પહેલાં એટલે સવારે 10 વાગ્યાની આસપાસ તેણે 9માં માળની ગેલેરીની બારીમાંથી કૂદકો માર્યો હતો. 9માં માળેથી નીચે પટકાતા આયુષનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

બિલ્ડિંગના 9માં માળેથી આયુષ નીચે પડતા ધડાકા સાથે મોટો આવાજ આવ્યો હતો, જેના કારણે ફ્લેટના રહીશો પણ બહાર આવી ગયા હતા. સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ ઘટનાથી અજાણ આયુષના પરિવારને જાણ કરવામાં આવી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આયુષના પપ્પા આ સમયે ઓફિસમાં હતા તેમને પણ જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. પરિવારના વ્હાલસોયા દીકરાના નિધનથી આખો જ પરિવાર દુઃખમાં ગરકાવ થઇ ગયો હતો. તેમનો આક્રંદ જોઈને આસપાસ ઉભેલા લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

તો આ બાબતે આયુષની માતાએ રડતા રડતા જણાવ્યું હતું કે “ગઈકાલે જ આયુષે કહ્યું હતું કે તે, 23 વર્ષની ઉંમરે એન્જિનિયરીંગ પૂરું કરશે. પછી IIM કરવાનો છે. ત્યારબાદ UPSCની તૈયારી કરવાનું કહેતો હતો. હું UPSCની તૈયારી વખતે જોબ નહી કરું. ત્યારે મેં તેને કહ્યું હતું કે તારે ક્યાં જોબ કરવાની જરૂર છે.” પરંતુ કાળને કંઈક બીજું જ મંજુર હતું. આશાસ્પદ યુવાનના આપઘાતથી પરિવાર પણ ઊંડા દુઃખમાં છે.

Niraj Patel