ખબર

વડોદરાના હાઈ પ્રોફાઈલ કેસનો ભાગતો ફરતો મુખ્ય આરોપી આખરે લાગી ગયો પોલીસના હાથે, હવે ખુલશે મોટા રહસ્યો ઉપરથી પડદો

ગુજરાતભરમાંથી મહિલાઓ અને યુવતીઓ  સાથે દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં બહાર આવી છે. ત્યારે વડોદરામાં  બનેલા ચકચારી ભરેલા દુષ્કર્મ કેસમાં પણ પોલીસનો  ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસની અંદર પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટની પોલીસે ધરપકડ કરી  લીધી હતી જેના બાદ આ કેસનો મુખ્ય આરોપી અશોક  જૈન પોલીસથી ભાગતો ફરતો હતો.

ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચે અશોક જૈનની પણ ધરપકડ કરી લીધી છે. ત્યારે અશોક જૈને કોર્ટેમાં  આગોતરા જામીન અરજી પણ કરી હતી જેની સુનાવણી હાથ ધરાઈ હતી પરતું કોર્ટે  8 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો છે. અશોક જૈન પાલિતાણાથી પકડાયો છે.હવે આ કેસની અંદર અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

મુખ્ય આરોપીને ધરપકડ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  નિવેદન આપતા જણાવ્યું કે “આ કેસમાં તમામ આરોપીની ધરપકડ થઇ ગઇ છે કેસ સાથે જોડાયેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.” આ ઉપરાંત તેમને એમ પણ  કહ્યું હતું કે, “આ કેસમાં પોલીસ પહેલા દિવસથી જ સમગ્ર મામલે સક્રિય થઈ હતી. પીડિતાને ન્યાય મળે તેવી ચાર્જશીટ કરવામાં આવશે.”

અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતાં. પરંતુ પીડિતાના કેસ કર્યાના દિવસથી જ અશોક જૈન ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલો બહાર આવ્યા બાદથી અશોક જૈન અને રાજુ ભટ્ટ બંને ફરાર થઈ ગયા હતા. જેના બાદ રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાઇ ગયો હતો. જેના બાદ તેને વડોદરા લાવવામાં આવ્યો હતો.

પોલીસ પુછપરછમાં રાજુ ભટ્ટે કેટલાક ખુલાસા કર્યા હતા, તેને જણાવ્યું હતું કે પીડિતા સાથે તેને એક વાર નહિ પરંતુ વારંવાર સંબંધો બાંધ્યા હતા. તેને પોલીસને જણાવ્યું કે પીડિતા સાથે તેને ચારવાર સંબંધો બાંધ્યા હતા. હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત રાજુ ભટ્ટે કરી હતી.