ખબર

ખૂટી પડ્યા વેક્સિનના ડોઝ, આ ઉંમરના લોકોને વેક્સિન આપવાનું કરવામાં આવ્યુ બંધ, જાણો

કોરોના મહામારીના આ કાળા કહેરમાં વેક્સિનેશન જ હવે એકમાત્ર ઉપાય છે ત્યારે રસીનો પુરતો જથ્થો મળ્યા પહેલાં જ 18થી 44 વર્ષનાને રસીકરણની ઝુંબેશ શરૂ કરી દીધી અને તેના પરિણામે 45 કે તેથી વધુ વયનાને રસીનું અભિયાન જે અગાઉથી શરૂ થયું હતું તેને આગળ ધપાવવા સેંકડો લોકોને બીજા ડોઝનો સમય આવ્યો ત્યારે તેમના માટે રસીના ડોઝ ખૂટી પડતાં હવે અમદાવાદ, સુરત અને વડોદરા મ્યુનિસિપિલ કોર્પોરેશને 45 કે તેથી વધુ વયનાનો મંગળવારથી એટલે કે આજથી રસીકરણ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગર પાલિકા પાસે કોરોના વિરોધી રસીનો મર્યાદિત જથ્થો હોવાના કારણે આજે 45 વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં નહીં આવે. જ્યાં સુધી વેક્સિનનો નવો જથ્થો ઉપલબ્ધ નહી થાય ત્યાં સુધી 45 વર્ષથી વધુની વયના લોકોને રસી નહીં આપવામાં આવે. માત્ર 18થી 44 વર્ષના વયના લોકોને રજીસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ મુજબ રસી આપવામાં આવશે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં ૪ હજાર ૬૧૬ અને ગ્રામ્યમાં 55 કેસ સાથે કુલ 4,671 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસનો આંક ૧ લાખ ૭૪ હજાર ૯૯૪એ પહોંચ્યો છે. જ્યારે સોમવારે વધુ ૨૫ લોકોના મોત થતાં અત્યાર સુધી કુલ ૨ હજાર ૯૧૯ લોકોના મરણ થયા છે. જો કે રાહતની વાત તે છે કે અત્યાર સુધી ૧ લાખ ૪ હજાર ૨૮૫ લોકો કોરોના મુકત થયા છે.

તમને જણાવી દઇએ કે, શહેરની અંદાજે 60 લાખની વસ્તીમાંથી 12.65 લાખે રસી લીધી છે. આ પૈકી 2.99 લાખે બંને ડોઝ જ્યારે 9.65 લાખ નાગરિકોએ પહેલી વખત વેક્સિનેશનનો લાભ લીધો છે.

સોમવારે રાજ્યમાં 1 લાખ 41 હજાર 843ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 99 લાખ 41 હજાર 391 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 31 હજાર 820 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 25 લાખ 73 હજાર 211નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.