એક તરફી પ્રેમની ભયાનક વારદાત: માથાભારે આશિકે તાબડતોબ કર્યા ચાકુથી વાર, બહુ જ લડી દીપા… પરંતુ હારી ગઈ

સુરતમાં થયેલી ગ્રીષ્માની હત્યાના પડઘા હજુ પણ શમ્યા નથી, હજુ પણ તેની હત્યારાને સજા સંભળાવવામાં નથી આવી, ગ્રીષ્માના પરિવારજનો સાથે લોકો પણ તેના હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસી થાય તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે હાલ વધુ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક તરફી પ્રેમ પાગલ યુવકે યુવતીને જાહેરમાં જ કાપી નાખી હતી, અને આ વખતે પણ જે ગ્રીષ્મા સાથે બન્યું તેમ લોકો આ તમાશો જોતા રહ્યા.

આ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના બાગપતમાંથી. જ્યાં ગુરુવારે એકતરફી પ્રેમમાં બીએની એક વિદ્યાર્થિનીનું ગળું કાપીને અને અનેક જગ્યાએ ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઘટનામાં વપરાયેલ છરી પોલીસને સોંપી દીધી હતી.

બાગપતના ઝંકાર ગલીના રહેવાસી નૈન સિંહ યમુના ઈન્ટર કોલેજમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમની 20 વર્ષની દીકરી દીપા બીએના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. દીપા તેની દસ વર્ષની ભત્રીજી નંદની સાથે બજારમાં જઈ રહી હતી. ત્યારે રિંકુ તેમની પાછળથી બાઇક પર આવ્યો હતો અને તેમની સામે બાઇક મૂકીને બાઇક રોકી હતી. રિંકુએ જાહેરમાં દીપાના ગળા અને અન્ય જગ્યાએ છરા મારીને હત્યા કરી હતી.

દીપાની ભત્રીજી નંદનીએ જણાવ્યું કે જ્યારે રિંકુ તેની માસીને મારવા લાગ્યો ત્યારે તેણે પહેલા તેના ગળા પર ચાકુ માર્યું. તે પછી પણ તેણે છરા મારવાનું શરૂ કર્યું, પરંતુ દીપાએ બચાવવા માટે સંઘર્ષ કર્યો. જેના કારણે તેના હાથ પર છરી વાગી હતી અને હાથ પણ ઘણી જગ્યાએ કપાઈ ગયો હતો. આ રીતે દીપા ત્યાં પડી જતાં લોકો ત્યાં આવી ગયા હતા અને રિંકુને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તેમની તરફ પણ છરી ચલાવીને ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યારબાદ આરોપી યુવક પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ઘટનામાં વપરાયેલ છરી પોલીસને સોંપી દીધી. સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સીઓ અનુજ કુમાર મિશ્રાએ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી હતી. સીઓનું કહેવું છે કે મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

 

પીડિતાના પિતાએ જણાવ્યું કે યુવક 22 ફેબ્રુઆરીએ ઘરે પહોંચ્યો હતો અને તેણે ધમકી આપી હતી કે “જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે દીપાને મારી નાખીશ.” આથી આ પાગલ પ્રેમીએ મનમાં આખો પ્લાન તૈયાર કર્યો અને ગુરુવારે બપોરે યુવતી જ્યારે બજારથી ઘરનો સામાન લઈને પરત ફરી રહી હતી ત્યારે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

Niraj Patel