સુરતના આ લગ્ન સમાજ માટે બન્યા અનોખી મિસાલ..સસરા જાતે જ જમાઈની જાન લઈને માંડવે પહોંચ્યા, સાસરિયાઓ બની ગયા પિયરપક્ષ.. જુઓ તસવીરો

કન્યાને વહુ નહિ પણ દીકરી માનીને પોતાના ઘરે લઇ આવ્યો સુરતનો આ પરિવાર, સાસુ સસરાએ જ વહુનું કર્યું કન્યાદાન.. જુઓ અનોખા લગ્ન

ગુજરાત સમેત દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે જ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લગ્નની એવી એવી ખબરો સામે આવી રહી છે જે હેરાન પણ કરી દે છે. આજે ઘણા યુવા પેઢીના લોકો પોતાના લગ્નમાં અનોખો બદલાવ કરતા હોય છે અને સમાજને પણ એક ઉમદા સંદેશ આપતા હોય છે.

સુરતમાં આવા અનોખી લગ્નની ઘણી બધી કહાનીઓ સામે આવી છે. ત્યારે હવે વધુ એક લગ્ન સામે આવ્યા છે. જેમાં સાસરિયાઓ પિયરપક્ષ બની ગયા અને પિયરપક્ષ વાળા સાસરિયા બની ગયા હતા. ત્યારે હવે આ લગ્નની ચર્ચાઓ પણ ઠેર ઠેર થઇ રહી છે અને ઘણા લોકો આ બદલાવને વખાણી પણ રહ્યા છે.

આ અનોખા લગ્ન હતા મૂળ સૌરાષ્ટ્રના બલેલ પીપળિયાના વતની અને હાલ વરાછામાં રહેતા રમેશભાઈ લક્ષ્મણબાઈ દુધાતના નાના દીકરા હાર્દિકના. હાર્દિકના લગ્ન કુંકાવાવના વતની લાલજીભાઈ લક્ષ્મણભાઈ ઠુંમરની દીકરી મહેશ્વરી સાથે ખુબ જ ધામધૂમથી થયા હતા. કન્યાના માતા-પિતા ભાવનાબેન અને વાલજીભાઈ ઠુંમરને સંતાનમાં માત્ર દીકરી જ હતી. તેમને કોઈ દીકરો ન હતો. જેના કારણે તેમનું દીકરાને પરણાવવાનું સપનું અધૂરું રહી ગયું હતું.

તો સામા પક્ષે વરરાજાના પિતા રમેશભાઈ અને કિરણબેનને પણ દીકરો જ હતો તેમને દીકરી નહોતી. તેમની પણ દીકરીનું કન્યાદાન કરવાની ઈચ્છા હતી. જેના કારણે બંને પરિવારોએ તેમના દીકરા દીકરીના લગ્નમાં આ ઈચ્છા પૂર્ણ કરી. કન્યાપક્ષે દીકરાને પરણાવવાના ઓરતા પુરા કર્યા તો વરપક્ષે દીકરીનું કન્યાદાન કરવાનું પુણ્ય લીધું હતું.

આ લગ્ન વેલેન્ટાઈન ડેના દિવસે જ થયા હતા. જેમાં કન્યાપક્ષના લોકો વરરાજાને માંડવે લઈને આવ્યા હતા. તો વરપક્ષના લોકો કન્યાપક્ષના બન્યા અને તેમણે જાનનું સામૈયું કર્યું અને જાનને વધાવી પણ હતી. ત્યારે સુરતમાં યોજાયેલા આ અનોખા લગ્નની હવે ઠેર ઠેર ચર્ચાઓ થઇ રહી છે. લોકો પણ આ નવતર પ્રયાસના ખુબ જ વખાણ કરી રહ્યા છે અને લગ્ન બાદ વહુને દીકરી માનવાની આ ઘટના અંગે રાજીપો પણ વ્યક્ત કરી રહ્યા છે.

Niraj Patel