રણજીતભાઈનો પ્રેમ કોઈ ન કરી શકે, મૃત પત્નીના યાદમાં ધોતી પહેરીને ઉઘાડા પગે કરી ચારધામ યાત્રા- જુઓ તસવીરો
હિર રાંઝા, લેલા મજનું, રોમિયો જુલિયેટ જેવા પ્રેમીઓની કહાની તો તમને ખબર જ હશે. આજના સમયમાં આવી કહાનીઓ ભાગ્યે જ જોવા મળે છે. આજના સમયમાં જો કોઈ વ્યક્તિ બીજા માટે પોતાનું સર્વસ્વ છોડી દે તો આવી વાત સાંભળતા જ આપણને નવાઈ લાગશે. ત્યારે ગઢડાના ઢસા ગામના એક વ્યક્તિએ પ્રેમ એટલે શું ? તેનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાવનગરના ઢસા ગામના રણજીતભાઈએ મૃત પત્નીના વિયોગમાં 12 જ્યોર્તિલિંગની પરિક્રમાનો સંકલ્પ લીધો અને તે પૂરો પણ કરી બતાવ્યો.
વર્ષ 2017માં ઢસા ગામના રણજીતભાઈને જિજ્ઞાસાબેન સાથે પ્રેમ થયો હતો અને પછી તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન પછી તેઓનું જીવન સુખેથી ચાલી રહ્યુ હતુ પણ કોરોનાની મહામારી દરમિયાન વર્ષ 2022માં જિજ્ઞાસાબેનનું નિધન થતા રણજીતભાઈ એકલા પડી ગયા અને પત્નીના અવસાન બાદ તેમને ભારે આઘાત લાગ્યો. પત્નીનો વિયોગ તેમને ખૂબ સતાવતો અને પછી તેમને પત્ની માટે 12 જ્યોર્તિલિંગની પગપાળા પરિક્રમા કરવાનો વિચાર આવ્યો.
18 જૂન 2022ના રોજ તેઓ 12 જ્યોર્તિલિંગની પરિક્રમાએ નીકળ્યા હતા અને તેઓએ 382 દિવસમાં 12 હજાર કિલોમીટરની પગપાળા યાત્રા કરીને 12 જ્યોર્તિલિંગના દર્શન કર્યા. આ દરમિયાન તેમણે યાત્રામાં એક પગે ઉભા રહીને તપ પણ કર્યું અને એક મહિના સુધી કેદારનાથમાં બરફ વચ્ચે રહીને તેમણે શિવ પુરાણનું પઠન પણ કર્યું હતું.
તેઓ ફક્ત શરીર પર એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોતિલિંગ અને ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે 1 વર્ષ અને 12 દિવસે તેઓ 12 જ્યોતિલિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરી 5 મે 2023એ પોતાના વતન ઢસા પરત ફર્યા હતા. ત્યારે 12 જ્યોતિલિંગ અને ચારધામની યાત્રા પગપાળે કર્યા બાદ તેમનું માદરે વતન જોરદાર ભવ્ય અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યુ.
100 જેટલી કારના કાફલા સાથે તેમનું ગામે ગામ ભવ્ય સ્વાગત થયુ અને ઢસા પહોંચતા ગામ લોકોએ રણજીતભાઈને હાથીની અંબાડી પર બેસાડી ઘોડા, ઉંટ, ડિજેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજી સ્વાગત કર્યુ હતું. રણજીતભાઇએ આ સમયમાં પ્રેમ જીવિત છે તેનો દાખલો બેસાડ્યો.