યુક્રેનમાં થયેલા બ્લાસ્ટમાં આ નર્સે ગુમાવી દીધા હતા પોતાના બંને પગ, હોસ્પિટલમાં પાર્ટનર સાથે કર્યા લગ્ન, લોકોને યાદ આવી “મન” ફિલ્મની કહાની

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિના કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ તબાહી વચ્ચે એક એવી આશાની તસવીર સામે આવી છે જે તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. યુદ્ધના મેદાનમાંથી એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં જીવન જીવવાનો જુસ્સો, પ્રેમ અને યુદ્ધની પીડા બધું જ છે. આ વીડિયો યુક્રેનના લ્વિવ શહેરનો છે, જ્યાં એક કપલ યુદ્ધની વચ્ચે લગ્નની ઉજવણી કરી રહ્યું છે.

યુક્રેન સ્થિત નર્સ ઓકસાનાએ ખાણમાં થયેલા વિસ્ફોટમાં તેના બંને પગ ગુમાવ્યા. લ્વિવ મેડિકલ એસોસિએશનના જણાવ્યા મુજબ, 27 માર્ચે ઓક્સાના તેના ભાવિ પતિ વિક્ટર સાથે રસ્તામાં જઈ રહી હતી, ત્યારે ખાણમાં વિસ્ફોટ થયો અને તે ખરાબ રીતે ઘાયલ થઈ, જ્યારે વિક્ટરને કોઈ ઈજા થઈ ન હતી. જેના બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી જ્યાં તેના ચાર ઓપરેશન કરવામાં આવ્યા.

તેનો પગ ગુમાવ્યાના કેટલાક અઠવાડિયા પછી 23 વર્ષની ઓકસાનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લગ્ન પછી તેના પતિ સાથે જોવા મળી રહી છે. બંનેએ પહેલા હોસ્પિટલના વોર્ડમાં લગ્ન કર્યા અને પછી પોતપોતાના પરિવાર સાથે લગ્નની ઉજવણી કરી. આ વીડિયોમાં યુદ્ધની વચ્ચે જીવન જીવવાની એ ભાવના છે, જેને આપણે સામાન્ય જીવનમાં પણ ભૂલી જઈએ છીએ.

જો કે, ઓક્સાના હજુ પણ તેના પગમાં પ્રોસ્થેટિક્સ ફીટ કરાવવાની રાહ જોઈ રહી છે અને તેને એક અઠવાડિયા પહેલા લ્વિવ લાવવામાં આવી છે. આ દંપતીએ લ્વિવની હોસ્પિટલમાં લગ્ન કર્યા, જ્યાં ઓક્સાનાની પ્રોસ્થેટિક સર્જરીની તૈયારીઓ ચાલી રહી છે. યુક્રેનની સંસદે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લગ્નના સમાચાર શેર કર્યા છે.

વીડિયો શેર કરવાની સાથે તેમને કેપ્શનમાં લખ્યું, ‘ખૂબ જ ખાસ લવ સ્ટોરી.’ તેમાં આગળ લખવામાં આવ્યું હતું કે, ‘લિસિચાન્સ્કની એક નર્સ, જેણે રશિયન ખાણમાં તેના બંને પગ ગુમાવ્યા, તેણે લ્વિવમાં લગ્ન કર્યા.’ તમને જણાવી દઈએ કે વિક્ટર અને ઓક્સાના છ વર્ષથી સાથે છે અને તેમને બાળકો પણ છે.

Niraj Patel