દુબઇમાં 2 વર્ષનો વરસાદ 2 દિવસમાં….રેગિસ્તાન વચ્ચે વસેલુ દુબઇ આખુ જળબંબાકાર- જાણો શું છે ભારે વરસાદનું કારણ

દુબઈ… રણમાં આવેલું એક એવું શહેર જેની ચકાચોંધ દરેકને ચોંકાવી દે. 15 એપ્રિલની રાત્રે UAE, સાઉદી અરેબિયા, બહેરીન અને ઓમાનમાં ભારે વરસાદ શરૂ થયો અને તે થોડી જ વારમાં વાવાઝોડામાં ફેરવાઈ ગયો. સ્થિતિ એવી બની કે મંગળવાર સુધીમાં તો આ દેશોના ડઝનબંધ શહેરોમાં પુર આવ્યુ અને રણની વચ્ચે આવેલા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ બંધ કરી દેવું પડ્યુ. હવામાન સંબંધિત માહિતી આપતી વેબસાઈટ ‘ધ વેધરમેન ડોટ કોમ’ના જણાવ્યા અનુસાર, અહીં બે વર્ષમાં આટલો વરસાદ થાય છે.

જો કે ભારે વરસાદનું કારણ કેટલાક નિષ્ણાતો ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદને ગણાવી રહ્યા છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં 160 મીમી વરસાદ નોંધાયો છે. જે સામાન્ય રીતે બે વર્ષમાં થાય છે. આ પોતાનામાં એક મોટી કુદરતી આફત છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદને કારણે થયું છે. દુબઈ પ્રશાસને સોમવાર અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે એરક્રાફ્ટ ઉડાવ્યું હતું એવું કહેવામાં આવી રહ્યુ છે અને એવું લાગે છે કે તેમાં ગડબડીને કારણે આ તોફાન આવ્યુ છે.

એવું કહેવાઇ રહ્યુ છે કે તેનું પરિણામ દુબઈ ભોગવી રહ્યું છે. જો કે આશ્ચર્ય થાય છે કે આજુબાજુના દેશોમાં આવું દ્રશ્ય કેમ જોવા મળે છે ? આ વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એસોસિએટેડ પ્રેસે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે દુબઈ પ્રશાસને સોમવારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવવા માટે એક વિમાન ઉડાવ્યું હતું. આના થોડા સમય પછી ગલ્ફ દેશોએ ભારે વરસાદ અને પૂરનો સામનો કર્યો છે, એટલે કે કૃત્રિમ વરસાદ, જે UAE સહિત ગલ્ફ દેશોમાં પૂર માટે જવાબદાર હોવાનું કહેવાય છે.

તમને જણાવી દઇએ કે, જ્યારે ક્યાંય કુદરતી વરસાદ પડતો નથી, ત્યારે વાદળોને કૃત્રિમ રીતે વરસાદમાં રૂપાંતરિત કરવાની તકનીકને ક્લાઉડ સીડીંગ કહેવાય છે. ક્લાઉડ સીડિંગ માટે સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ અને ડ્રાય આઈસ હેલિકોપ્ટર અથવા પ્લેન દ્વારા આ કણો હવામાં વરાળને આકર્ષિત કરે છે, જેના કારણે વાવાઝોડાના વાદળો બને છે વરસાદ પડે છે. આ રીતે વરસાદ થવામાં લગભગ અડધો કલાક જેટલો સમય લાગે છે.

જુલાઈ 2021માં જ્યારે દુબઈમાં તાપમાન 50 ડિગ્રી પર પહોંચ્યું હતું, ત્યારે ગરમીથી રાહત આપવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું. આ ટેકનિકનો ઉપયોગ અખાતના દેશોમાં દુષ્કાળનો સામનો કરવા માટે થાય છે. જેની શરૂઆત 1990ના દાયકામાં યુએઈમાં થઈ હતી.જો કે વાસ્તવમાં હજુ સુધી એવું કંઈ સામે આવ્યું નથી એટલે ક્લાઉડ સિડિંગના સમાચાર માત્ર અટકળો છે.

એક્સપર્ટનું કહેવું છે કે દુબઈમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો એટલે ક્લાઉડ સિડિંગ થયું હોય એવું લાગતું નથી. ક્લાઉડ સિડિંગ સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જ્યારે વાદળ તો હોય પરંતુ પવન, ભેજ અને ધૂળની સ્થિતિ એવી ન હોય કે જેનાથી વરસાદ પડી શકે. ગયા અઠવાડિયામાં જ દુબઈમાં એવું વાતાવરણ બન્યું હતું કે વરસાદ પડશે તે નક્કી હતું. સમગ્ર ગલ્ફના પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની આગાહી પણ કરવામાં આવી હતી.

આવી સ્થિતિમાં ક્લાઉડ સિડિંગ કરવાની કોઈ જરૂર પણ ન હતી, કારણ કે આ કામ બહુ ખર્ચાળ હોય છે. એટલે ક્લાઉડ સિડિંગ થયું છે કે નહીં તે નક્કી નથી પરંતુ દુબઈ જરૂર પડે ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે હકીકત છે. જો કે કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ ક્લાઇમેટ ચેન્જને કારણે થયુ હોય તે વાતને નકારી ન શકાય.

Shah Jina