સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવવા લાગે છે. ત્યારે હાલ અમદાવાદમાંથી પણ એવી જ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રામોલ-સીટીએમ ઓવર બ્રિજ ઉપર બે બાઈક સવારો આમને સામને અથડાતા એક બાઈક સવાર યુવકનું કમકમાટી ભરેલું મોત નીપજ્યું હતું, જયારે એક દંપતી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે રવિવારે રાતના સમયે સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક યુવકની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. જ્યારે બીજા બાઈક પરનું દંપતી પર રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. દંપતીની 108 મારફતે હાલ એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ગમખ્વાર અકસ્માતના કારણે CTM રામોલ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને કારણે ઘટનાસ્થળે પહોંચેલી ખોખરા પોલીસે ભારે જેહમત બાદ ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો. અકસ્માત અંગે આઈ ડિવિઝન પોલીસને સૂચિત કરીને ખોખરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.