છેલ્લા થોડા જ સમયમાં ઘણા બધા કલાકારો આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે, ઘણા કલાકારો એવા છે જે ચાલુ શોમાં કે જિમમાં વર્કઆઉટ કરતા દરમિયાન જ ઢળી પડ્યા હોય અને મોતને ભેટ્યા હોય, ત્યારે હાલ એવી જ એક ખબર સામે આવી રહી છે, જેમાં ટીવીના ખ્યાતનામ અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર તે શુક્રવારે સવારે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો, ત્યારે જ તે બેભાન થઈને ઢળી પડ્યો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. ડોકટરો દ્વારા પણ સિદ્ધાંતને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસો કર્યા હતા પરંતુ બધા જ નાકામ રહ્યા. રાજુ શ્રીવાસ્તવ અને દીપેશ ભાન બાદ આ ત્રીજા કલાકારનું નિધન છે જે જીમમાં વર્કઆઉટ કરતા સમયે થયું છે.
અભિનેતા સિદ્ધાંત ટીવી ધારાવાહિક “કુસુમ, વારિસ અને સૂર્યપુત્ર કર્ણ” માટે ખુબ જ જાણીતો હતો. તેના નિધનના સમાચાર અભિનેતા જય ભાનુશાલીએ આપ્યા છે. સિદ્ધાંત તેની પાછળ તેની પત્ની અલિસિયા રાઉત અને બે બાળકોને છોડી ગયો છે. સિદ્ધાંત ફિટનેસને લઈને ખુબ જ સતર્ક રહેતો હતો અને જિમમાં કસરત કરવા દરમિયાન જ તેનું મોત થયું.
સિદ્ધાંતના નિધનની ખબર આપતા અભિનેતા જય ભાનુશાલીએ સિદ્ધાંતનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, “ભાઈ તું બહુ જ જલ્દી ચાલ્યો ગયો.” મીડિયા સાથે વાતચીત દરમિયાન પણ જય ભાનુશાલીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને એમ પણ જણાવ્યું હતું કે મને એક કોમન મિત્ર દ્વારા ખબર મળી હતી કે જીમમાં વર્કઆઉટ કરતા તેને દમ તોડી દીધો છે.”
સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી. તે આનંદ સૂર્યવંશી તરીકે પણ જાણીતો હતો. તેણે ટીવી સિરિયલ ‘કુસુમ’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય સિદ્ધાંત વીર સૂર્યવંશીએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. ‘કસૌટી ઝિંદગી કી’, ‘કૃષ્ણ અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’થી સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાની કારકિર્દીમાં ઉડાન ભરી હતી. તેમના છેલ્લા પ્રોજેક્ટ્સ ટીવી શો ‘ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’ અને ‘ઝિદ્દી દિલ’ હતા.