Trustee of Khodaldham dies of heart attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ વધવા લાગી છે, ત્યારે હાર્ટ એટેકની એવી જ એક ઘટના હાલ રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં ખોડલધામના ટ્રસ્ટની હાર્ટ એટેકમાં નિધન થતા જ પરિવાર તેમજ સમગ્ર પાટીદાર સમાજમાં પણ ઊંડા શોકની લાગણી પણ વ્યાપી ગઈ છે. તેઓ ખોડલધામના ટ્રસ્ટી હોવાની સાથે સાથે એક ઉદ્યોગપતિ પણ હતા.
દિવા બત્તી કરતા આવ્યો હાર્ટ એટેક :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના નવા મવા રોડ પર આવેલા શ્રીરાજ રેસીડેન્સીમાં તુલસીપત્ર નામના બંગલામાં રહેતા 46 વર્ષીય કલ્પેશભાઈ તંતી ગતરોજ સાંજે 7.45 વાગ્યાની આસપાસ પોતાના ઘરે બીજા માળે દિવા બત્તી કરવા માટે ગયા હતા.
પરંતુ 25 મિનિટ સુધી તે નીચે ના આવતા પરિવારજનોને ચિંતા થઇ અને તે ઉપર તપાસ કરવા ગયા ત્યારે તે બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી પરિવારના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. તેમને તાત્કાલિક શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું.
બિઝનેસમેન હતા :
આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ જરૂરી કાર્યવાહી બાદ તેમના મૂર્તદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. કલ્પેશભાઈને સંતાનોમાં એક 18 વર્ષનો દીકરો અને એક 15 વર્ષની દીકરી છે. તે ખોડલધામના ટ્રસ્ટી હોવાની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. તમેનું સડકપીપળીયા પાસે સનનાયકા નામની પોલીમર્સનું કારખાનુ છે અને તેઓ મકાનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.
પરિવારમાં ઊંડો શોક :
ત્યારે તેમના નિધન બાદ પરિવાર, પાટીદાર સમાજ અને મિત્ર મંડળમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં સતત સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ ચિંતાનો પણ વિષય બન્યા છે. કોરોના બાદ આવા મામલામાં સતત ઉછાળો આવ્યો છે,. જેમાં ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. કોઈને જિમમાં કસરત કરતા કરતા હાર્ટ એટેક આવે છે તો કોઈને ક્રિકેટ રમતા વખતે પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવે છે.