સાબરકાંઠા : ST, જીપ અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એક વર્ષની બાળકી સહિત 4નાં મોત-9 ઘાયલ; જુઓ તસવીરો

ખેડબ્રહ્માના હિંગટિયા પાસે ત્રિપલ અકસ્માત:એક વર્ષની બાળકી સહિત 4નાં મોત, 9 ઘાયલ; ST, જીપ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર; સારવાર માટે ખસેડાયા

સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા પાસે આજે એટલે કે 3 મેએ બપોરે ભયાનક અકસ્માત સર્જાયો. અંબાજી-વડોદરા રૂટની એસટી બસ, જીપ તેમજ બાઈક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોના મોત નિપજ્યાં હોવાની ખબર છે. જ્યારે આ અકસ્માતમાં નવ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જીપ અને બાઇક પર સવાર પૈકીના ચારના મોત થયા છે જ્યારે 9 લોકોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર અંગે માહિતી મેળવી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ત્રણેય વાહન કોઈ અગમ્ય કારણોસર એકબીજા સાથે જોરદાર રીતે અથડાયા અને તેને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ભયાનક અકસ્માતની ખબર મળતા જ ખેરોજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી વાહન નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને પગલે પોલિસે કામગીરી કરી ટ્રાફિકને પૂર્વવત્ કર્યો.

હિંગટીયા પાસે સર્જાયેલા આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકોમાં પોપટભાઈ સકાભાઈ તરાલ (ઉં.વ.પુખ્ત, રહે. બુબડિયાના છાપરા, તા.ખેડબ્રહ્મમા) સાયબાભાઈ ગલબભાઈ બેગડીયા (ઉં.વ.પુખ્ત,રહે. ચાંગોદ, તા.ખેડબ્રહ્મમા) મંજુલાબેન બચુભાઈ બેગડીયા (ઉં.વ. આશરે 1, રહે. ચાંગોદ, તા.ખેડબ્રહ્મમા) અને અજયભાઈ નવાભાઈ ગમાર (ઉં.વ.પુખ્ત, રહે.નાડા, તા-પોશીના)નો સમાવેશ થાય છે. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે.

Previous Article

અનિલ કપૂરના માતાએ દુનિયાને કહ્યું 'અલવિદા'..90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, કપૂર પરિવાર શોકાતુર! જુઓ તસવીરો

Next Article

માતાના નિધનથી તૂટેલા અનિલ કપૂરને સંભાળતા જોવા મળ્યા જિગરી મિત્ર જેકી શ્રોફ, જાહ્નવી-ખુશીની રડી રડીને હાલત ખરાબ

error: Unable To Copy Protected Content!