પિઝાના લોટ પર ઝાડુ રાખેલા જોઇ ગુસ્સે ભરાયેલા લોકોએ કરી એક્શનની માંગ, ડોમિનોઝ પિત્ઝાના શોખીનો આ જોઈને ચીતરી ચડશે

તમે ઘણીવાર રેસ્ટોરન્ટમાં ખાવાની બાબતમાં બેદરકાર હોવાના સમાચાર સાંભળ્યા હશે અને તેને લગતા ફોટો-વીડિયો પણ જોયા હશે. પરંતુ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને બની શકે કે ઘણા લોકો બહારનું ખાવાનું બંધ કરી દે. આ તસવીર જોઈને લોકોનો ગુસ્સો ફાટી રહ્યો છે. ઘણા લોકો માને છે કે આવી બેદરકારીને બિલકુલ માફ ન કરવી જોઈએ. એક ટ્વિટર યુઝરે બેંગ્લોરમાં એક ડોમિનોઝ આઉટલેટની તસવીરો શેર કરી છે. જેમાં પીઝાના લોટની ટ્રે પર પોતા લટકતા જોવા મળે છે. ડોમિનોઝ સ્ટોર પર પિઝાના લોટની ટ્રે પર ટોયલેટ બ્રશ પણ જોવા મળી રહ્યા છે.આ ફોટોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે આ રીતે @dominos_india અમને તાજા પિઝા પીરસે છે, ખૂબ જ ખરાબ.

એક ટ્વિટર યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘ડોમિનોઝમાં ફરી ક્યારેય નહીં ખાતા.’ આ ફોટા જોઈને ઘણા લોકો ગુસ્સામાં જોવા મળ્યા. આ ફોટો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શકતા નથી. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો ડોમિનોઝ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા. જો કે, ડોમિનોઝ તરફથી એક નિવેદન સામે આવ્યું, જેમાં તેણે કહ્યું કે, ‘ડોમિનોઝ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે વિશ્વ-કક્ષાના પ્રોટોકોલનું પાલન કરે છે.અમારા એક સ્ટોરને લગતી એક ઘટના તાજેતરમાં અમારા ધ્યાન પર આવી. અમે દાવો કરવા માંગીએ છીએ કે આ એક અલગ ઘટના છે અને અમે સંબંધિત રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરી છે.

સૂચિત રહો કે, અમે અમારા ઉચ્ચ સુરક્ષા ધોરણોના ઉલ્લંઘન માટે શૂન્ય સહનશીલતા ધરાવીએ છીએ. ખાતરી કરો કે અમે અમારા ગ્રાહકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે દરેક પ્રયાસ કરવા પ્રતિબદ્ધ છીએ.’ વાસ્તવમાં આ સમગ્ર મામલો સાહિલ કર્ણ્ય નામના ટ્વિટર યુઝરના ટ્વિટથી શરૂ થયો હતો. સાહિલ કર્ણ્યએ બેંગ્લોરમાં ડોમિનોઝ આઉટલેટમાં પિઝા બેઝની ટ્રે પર પોતા અને ટોયલેટ બ્રશ મૂકેલ હોય તેવી એક તસવીર ટ્વિટ કરી હતી.બાદમાં તેણે આને લગતો એક વીડિયો પણ શેર કર્યો. તેણે ટ્વીટમાં એમ પણ લખ્યું કે, “આ રીતે ડોમિનોઝ અમને ફ્રેશ પિઝા સર્વ કરે છે.” બસ આ જોઈને ઈન્ટરનેટ યુઝર્સનો પારો ચડી ગયો. લોકો ડોમિનોઝ પર કમેન્ટ્સ કરવા લાગ્યા.

એક ટ્વીટર યુઝરે ડોમિનોઝ પર કાર્યવાહીની માંગ કરતા લખ્યું, “શરમજનક કૃત્ય. ડોમિનોઝના લોકો સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે. આ માટે ડોમિનોઝ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.” એક અન્ય ટ્વિટર યુઝરે ડોમિનોઝ ઈન્ડિયાનો ઉલ્લેખ કરીને લખ્યું, “કેટલું ખરાબ ? ડોમિનોઝ ઇન્ડિયા, શું આ તમારું ધોરણ છે ? શું તમે તમારા ગ્રાહકના સ્વાસ્થ્યની બિલકુલ કાળજી નથી રાખતા ? સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.” આ ઉપરાંત બીજા એક ટ્વિટર યુઝરે લખ્યું કે, “હવે હું ક્યારેય ડોમિનોઝમાં ખાવાનો નથી. હું ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને અપીલ કરું છું કે કડક કાર્યવાહી કરે અને અન્ય સ્થળોએ સુરક્ષા તપાસે.” જો કે, આ દરમિયાન, ડોમિનોએ ચોક્કસપણે સ્પષ્ટતા કરી. પરંતુ સફાઈ બાદ પણ લોકોનો રોષ ઓછો થતો જણાતો નથી.

Shah Jina