મોરબી દુર્ઘટના પછી PM મોદી ત્યાં આવ્યા એમાં 30 કરોડનો ખર્ચો થયો, તેમાંથી રૂ. 5.5 કરોડ ફક્ત વેલકમ, ફોટોગ્રાફી, આવી આવી નકલી ન્યુઝ ફેલાવવા મામલે નેતા ઝડપાયો

ગુજરાત પોલીસે 5 ડિસેમ્બર સોમવારના રોજ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી હતી. આ મામલો મોરબી બ્રિજ અકસ્માત સાથે જોડાયેલો છે. આરોપ છે કે ગોખલેએ વડાપ્રધાનની મોરબી મુલાકાત અંગે ખોટી માહિતી ફેલાવી હતી. ધરપકડ અંગેની આ માહિતી તેમના પક્ષના સહયોગી અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા એક ટ્વીટમાં આપવામાં આવી છે. ટ્વીટ અનુસાર, સાકેત ગોખલેની ગુજરાત પોલીસે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.

આ બાબતે માહિતી આપતા ડેરેક ઓ’બ્રાયને ટ્વીટ કર્યું કે, TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. સોમવારે તેમણે નવી દિલ્હીથી જયપુર માટે રાત્રે 9 વાગ્યે ફ્લાઈટ લીધી હતી. જ્યારે તે ઉતર્યા ત્યારે રાજસ્થાનના એરપોર્ટ પર ગુજરાત પોલીસ તેની રાહ જોઈ રહી હતી. ત્યાં જ તે પકડાઇ ગયા. અન્ય એક ટ્વિટમાં તેણે લખ્યું, મંગળવારે બપોરે 2 વાગ્યે ગોખલેએ તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે પોલીસ તેને અમદાવાદ લઈ જઈ રહી છે. તેઓ બપોર સુધીમાં અમદાવાદ પહોંચી જશે.

પોલીસે તેને બે મિનિટ માટે ફોન કરવા દીધો અને પછી ફોન સહિત તેનો તમામ સામાન જપ્ત કર્યો. આગળ લખ્યું, મોરબી બ્રિજ તૂટી પડવા અંગે સાકેતના ટ્વીટને લઈને અમદાવાદ સાયબર સેલમાં કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપ રાજકીય વેરભાવને અલગ સ્તરે લઈ જઈ રહ્યું છે. ટીએમસી અને વિપક્ષ ચૂપ રહી શકે નહીં. આ સમગ્ર મામલો ગોખલેના એક ટ્વિટ સાથે જોડાયેલો છે. ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે PMની મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

સાકેત ગોખલેએ એક RTI ટાંકીને ટ્વિટર પર આ દાવો કર્યો હતો. ગુરુવાર, 1 ડિસેમ્બરના રોજ, TMC નેતાએ ટ્વિટર પર લખ્યું, “RTI દર્શાવે છે કે મોદીની મોરબીની મુલાકાત પર થોડા કલાકો માટે ખર્ચવામાં આવેલા રૂ. 30 કરોડ…તેમાંથી રૂ. 5.5 કરોડ ફક્ત વેલકમ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી” માટે છે. મૃત્યુ પામેલા 135 પીડિતોને વળતરની રકમ 4 લાખ રૂપિયા આપવામાં આવી હતી, એટલે કે કુલ 5 કરોડ રૂપિયા.

મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆર એકલા 135 લોકોના જીવ કરતાં પણ વધુ ખર્ચાઈ ગયા હતા. કેન્દ્ર સરકારની માહિતી કચેરી પીઆઈબીએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. પીઆઈબીના જણાવ્યા અનુસાર આવો કોઈ આરટીઆઈનો જવાબ આપવામાં આવ્યો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ ઘટનાએ રાજકીય તણાવ ઉભો કર્યો હતો. તૃણમૂલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. ટ્વિટર પર પણ ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું હતું.

Shah Jina