ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા ખજૂરભાઇના ઘરે થઇ ચોરી, જુઓ ચોર શું શું લઇ ગયા

અવારનવાર ગુજરાત રાજયમાંથી ચોરીની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવા વધુ કિસ્સાઓ તો મોટાભાગે શિયાળામાં વધારે બનતા હોય છે. ત્યારે હાલમાં જ ગુજરાતના બારડોલીના બાબેન ખાતેથી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની હાલમાં ખૂબ ચર્ચા થઇ રહી છે. આ ચર્ચા એ માટે વધુ થઇ રહી છે કારણ કે જે ઘરમાં ચોરી થઇ છે તે યૂટયૂબર ખજૂરભાઇ ઉર્ફે નીતિન જાનીનું ઘર છે. નીતિન જાનીને ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ગુજરાતના લગભગ દરેક ઘરમાં કોમેડિયન તરીકે સારી ઓળખ ધરાવે છે.

તેમણે ખાલી પોતાની કોમેડીથી નહિ પરંતુ આર્થિક રીતે ઘણા લોકોને ઉપયોગી બનીને લોકોના દિલ જીત્યા છે અને એવામાં તેમના ઘરમાં ચોરી થવી એ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. ખજુરભાઈના ઘરમાંથી કોઈ લાખો રૂપિયાની ચોરી થઈ નથી પરંતુ એક જ વસ્તુની ચોરી થઇ છે. ગઈકાલે મોડી રાત્રે તસ્કરો ખજુરભાઈના ઘરમાં ત્રાટક્યા હતા અને હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા છે. ઘરના દરવાજાનો નકૂચો તોડી ચોર પ્રવેશ્યા હતા અને કિંમતી સામાન શોધવામાં ઘરમાં મુકેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.

જો કે ચોરોને કશું હાથ લાગ્યુ નહિ એટલે ઘરમાં મુકેલુ LED ટીવી ચોરીને ફરાર થઇ ગયા હતા. નીતિન જાની બારડોલીના અસ્તાન ગામે આવેલ રિદ્ધિ સોસાયટીમાં રહે છે. તેમનું આ ઘર ઘણા સમયથી બંધ છે અને એ માટે જ થોડા દિવસો અગાઉ તેમના બંઘ ઘરના મકાનનો નકૂચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા અને ઘરમાં મુકેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તેમના ઘરમાં કોઈ કિંમતી સામાન હાથ ન લાગતાં જે LED ટીવી હતુ તે લઇ ચોર ફરાર થઇ ગયા હતા. હાલ તો આ મામલે હજી સુધી કોઇ પોલિસ ફરિયાદ થઇ નથી પરંતુ પોલિસે માત્ર જાણવા જોગ અરજી લીધી છે.

આ મામલે પોલિસ તપાસ કરી રહી છે, જો CCTV ફુટેજ સામે આવે તો ઘટના પરથી પડદો ઊંચકાય તેમ છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ખજૂરભાઈના ઘરમાં ચોરી કોઈ જાણભેદુ માણસે કરી છે. જો કે આવનાર દિવસમાં તસ્કરો ઝડપાઈ જશે પરંતુ ખજૂરભાઈના ખુદના ઘરમાં ચોરી થઈ તેનો નવો કોમેડી એપિસોડ બહાર પાડે તો નવાઈ નહી.

ઉલ્લેખનીય છે કે, નીતિન જાનીએ તાઉતે વાવાઝોડા દરમિયાન બેઘર બનેલા લોકોને આર્થિક મદદ કરી હતી અને લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. ગુજરાતના ખજુરભાઈને લોકો ગુજરાતના સોનુ સુદ તરીક ઓળખે છે. તેઓએ સમાજ સેવા કરીને પણ લોકોના દીલી જીતી લીધા છે. તાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ભારે નુકશાન થયુ હતુ અને લોકોને પરિસ્થિતિમાં જોઇ તેઓ ખુદ તેમની ટીમ સાથે ગામડે ગામડે મદદે પહોંચી ગયા હતાં અને હજારો જરૂરિયાતમંદ લોકોને કપરા સમયમાં મદદ કરી હતી.

Shah Jina