ફરી એકવાર ગોધરા અગ્નિકાંડની કહાની આવશે સામે ! રૂંવાડા ઉભા કરી દેનારી ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ”નું ટીઝર આવ્યું સામે, વિક્રાંત મેસીનો ફરી જોવા મળશે જાદુ
The Sabarmati Report Teaser Out : ’12th ફેલ’થી પોતાનો જાદુ દેખાડનાર વિક્રાંત મેસી હવે વધુ એક ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ લઈને આવી રહ્યો છે, જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. આ ફિલ્મમાં ગોધરા અગ્નિકાંડની કહાની બતાવવામાં આવશે. થોડા દિવસો પહેલા, મેકર્સે તેનો એક વિડિયો રિલીઝ કર્યો હતો અને હવે ટીઝર રિલીઝ કર્યું છે. ‘ધ સાબરમતી રિપોર્ટ’માં, નિર્માતાઓ એક હૃદયદ્રાવક કહાની લાવી રહ્યા છે, જે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં બની હતી.
તે દિવસે સાબરમતી એક્સપ્રેસના કોચમાં લાગેલી આગમાં ઘણા લોકો જીવતા સળગી ગયા હતા. લગભગ 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ ભયાનક ઘટનાને 22 વર્ષ વીતી ગયા, પણ ઘા હજુ તાજા છે. ‘ધ સાબરમતી રિપોર્ટ’ના ટીઝરમાં 22 વર્ષથી છુપાયેલી વસ્તુઓની ઝલક જોવા મળે છે. પરંતુ વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના તેને બહાર લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
ધ સાબરમતી રિપોર્ટના ટીઝરમાં ગોધરા આગની ઘટનાની માત્ર ઝલક છે, પરંતુ જ્યારે તેનું સત્ય ફિલ્મી પડદા પર જોવા મળશે ત્યારે આત્મા કંપી ઉઠશે. ટીઝરની શરૂઆત રિદ્ધિ ડોગરા અને વિક્રાંત મેસીથી થાય છે. રિદ્ધિ વિક્રાંતને પૂછે છે કે શું સમાચાર છે, જેનો તે જવાબ આપે છે. આ પછી સાબરમતીમાં લાગેલી આગની તપાસ શરૂ થાય છે અને તેમાં મૃત્યુ પામેલા 59 લોકોની વાર્તા છે.
‘ધ સાબરમતી રિપોર્ટ’ 3 મે, 2024ના રોજ રિલીઝ થશે. થોડા દિવસો પહેલા મેકર્સે ગોધરા આગની ઘટનામાં જીવ ગુમાવનારાઓને યાદ કરવા માટે એક વીડિયો જાહેર કર્યો હતો. તે વિડિયોએ સત્ય જોવાની ઉત્સુકતા વધારી દીધી કે 27 ફેબ્રુઆરી 2002ની સવારે ગોધરા રેલ્વે સ્ટેશન પાસે ખરેખર શું બન્યું હતું. ‘ધ સાબરમતી રિપોર્ટ’ રંજન ચંદેલ દ્વારા નિર્દેશિત છે, જ્યારે શોભા કપૂર અને એકતા કપૂર તેના નિર્માતા છે.