જમ્મુ કાશ્મીરમાં નામર્દ પાકિસ્તાનીઓએ પીઠ પાછળથી કર્યો ભારતીય સેનાની કાર પર હુમલો, 5 જવાનો થયા શહીદ, રોડ પર લોહીના ખાબોચિયા ભરાયા

પૂંછ જિલ્લામાં  આતંકવાદીઓએ સેનાની બે ગાડીઓ રોકીને ગ્રેનેડથી કર્યા હુમલા, અંધાધૂંધ કર્યું ફાયરિંગ, 5 જવાન શહીદ, 2 ઘાયલ, જુઓ વીડિયો

Terrorist Attack On Army Vehicle : દેશની રક્ષા કરવા માટે દેશના વીર જવાનો આતંકવાદીઓ અને દુશ્મનો સામે હંમેશા બાથ ભીડવા માટે ખડેપગે તૈયાર રહેતા હોય છે, ત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જવાનોની જાણ બહાર જ આવા નામર્દ આતંકવાદીઓ તેમના પર હુમલો કરી બેસતા હોય છે અને આ હુમલા માટે જવાનો પણ તૈયાર નથી હોતા અને તેના કારણે તેમના પ્રાણ પણ ચાલ્યા જતા હોય છે. હાલ એવી જ એક ઘટના જમ્મુ કાશ્મીરમાંથી સામે આવી છે, જેમાં 5 જવાનો શહીદ થયા છે.

5 જવાન શહીદ :

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે બપોરે 3:45 વાગ્યે, ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ બાફલિયાઝ વિસ્તારમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો. આ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા અને બે ઘાયલ છે. આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો. બે જવાનોના મૃતદેહ પણ દયનિય હાલતમાં જોવા મળ્યા. કેટલાક સૈનિકો હથિયાર પણ તે લોકો લઈને ભાગી ગયા હોય તેવી શક્યતા છે. પાકિસ્તાન સમર્થિત પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ હુમલાની જવાબદારી લીધી હતી.

કાયરોની જેમ કર્યો હુમલો :

હુમલા બાદ તરત જ સૈનિકોએ ચાર્જ સંભાળ્યો અને જડબાતોડ જવાબ આપ્યો. મોડી રાત સુધી અથડામણ ચાલુ રહી. રાત પડી ગયા પછી પણ આતંકવાદીઓ સ્થળ પરથી નાસી ન જાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, 48 રાષ્ટ્રીય રાઈફલ્સના બે વાહનો બફલિયાઝથી ડેરા ગલી આવી રહ્યા હતા. તેમાંથી એક જીપ્સી હતી અને બીજી ટ્રક હતી. રાજૌરી-થન્નામંડી-સુરનકોટ રોડ પર સવાણીમાં ઘૂસી આવેલા આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફાયર કર્યો હતો.

લોહીના ખાબોચિયા ભરાયા :

બંને વાહનો રોકાતાની સાથે જ તેમને ચારે બાજુથી ઘેરી લીધા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આતંકવાદીઓની સંખ્યા ચારથી છ હોવાનું કહેવાય છે. જમ્મુમાં સૈન્ય પ્રવક્તા, લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્થવાલે કહ્યું કે સૈનિકોને લશ્કરી વાહનમાં તે વિસ્તારમાં લાવવામાં આવી રહ્યા છે જ્યાં બુધવાર રાતથી કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. ઘટનાસ્થળેથી વિચલિત કરી દેનારા દ્રશ્યો સામે આવ્યા છે. સર્વત્ર લોહી ફેલાઈ જતાં સૈનિકોના તૂટેલા હેલ્મેટ અને બંને લશ્કરી વાહનોના તૂટેલા કાચ વેરવિખેર થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

26 મહિનામાં જ 21 જવાન શહીદ :

આતંકવાદી હુમલામાં નાયક  બિરેન્દ્ર સિંહ (15 ગઢવાલ રાઈફલ), નાયક કરણ કુમાર (ASC), રાઈફલમેન ચંદન કુમાર (89 આર્મ્ડ રેજિમેન્ટ), રાઈફલમેન ગૌતમ કુમાર (89 આર્મ્ડ રેજિમેન્ટ) અને અન્ય એક સૈનિક શહીદ થયા હતા. સેના દ્વારા હાલમાં પાંચમા શહીદ સૈનિકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.  પુંછમાં 26 મહિનામાં આતંકી હુમલાની આ ચોથી મોટી ઘટના છે. 2021થી અત્યાર સુધી આ ચાર ઘટનાઓમાં 21 જવાનો શહીદ થઇ ચુક્યા છે.

Niraj Patel