ઓસ્ટ્રેલિયામાં 23 વર્ષની ભારતીય ફેમસ ડૉક્ટર ધોધમાં પડી ગયા ને મોત મળ્યું, જુઓ તસવીરો
ઘણીવાર વિદેશની ધરતી પરથી ભારતીયોના મોતની ખબર સામે આવતી રહે છે, ત્યારે હાલમાં ફરી એકવાર આવી ઘટના બની ઓસ્ટ્રેલિયામાં…આંધ્રપ્રદેશની 23 વર્ષીય ઉજ્જવલા વેમરુ નામની મહિલા ડોક્ટરનું ઓસ્ટ્રેલિયામાં ટ્રેકિંગ કરતી વખતે ધોધમાં પડી જવાથી મોત થયુ છે. તે મૂળ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગન્નાવારાની રહેવાસી હતી, તેના મૃતદેહને તેના પૈતૃક ગામ લાવવામાં આવશે.
તે ગત મંગળવારે દક્ષિણ-પૂર્વ ક્વીન્સલેન્ડમાં યાનબાકૂચી ફોલ્સ, લેમિંગટન નેશનલ પાર્કમાં ટ્રેકિંગ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. વ્યવસાયે ડૉક્ટર ઉજ્જવલા માત્ર 23 વર્ષની હતી. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં બોન્ડ વિશ્વવિદ્યાલયથી MBBS પૂર્ણ કર્યા બાદ, ઉજ્જવલા તેના મિત્રો સાથે રોયલ બ્રિસ્બેન મહિલા હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહી હતી.
અહેવાલો અનુસાર, ઉજ્જવલાના માતા-પિતા ઘણા વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા. ઑસ્ટ્રેલિયામાં જન્મેલી ઉજ્જવલાએ આંધ્ર પ્રદેશમાં તેના પૂર્વજો સાથે જોડાણ જાળવી રાખ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ઉજ્જવલા 10 મીટર સરકી અને બાદમાં વધુ 10 મીટર સરકીને પાણીમાં ખાબકી. પોલીસના જણાવ્યા અનુસાર, તેના પાણીમાં પડી ગયા પછી તેના મિત્રોએ ઘણીવાર સુધી તેને બૂમો પાડીને બોલાવી પરંતુ તેની કોઈ પ્રતિક્રિયા ન આવી.
ઉજ્જવલાનો મૃતદેહ બહાર કાઢવામાં બચાવ ટીમને 6 કલાકથી વધુ સમય લાગ્યો હતો. પરિવારના સભ્યો અનુસાર, ઉજ્જવલાનું બાળપણનું સપનું હતું કે તે મોટી થઈને ડૉક્ટર બને. તે થોડા દિવસોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવા જઈ રહી હતી, પરંતુ આ કમનસીબ અકસ્માતને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.