સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમિલ સિનેમાના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. અભિનેતાનું શુક્રવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું, તે 48 વર્ષના હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અભિનેતાનું નાની ઉંમરમાં નિધન ઇન્ડસ્ટ્રી માટે મોટો ફટકો છે.
ગઈકાલે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ચેન્નાઈની એક હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનો જીવ બચાવી શકાયો નહીં. અભિનેતાના નિધનથી ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. એ માનવું મુશ્કેલ છે કે હસતા ડેનિયલ બાલાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના મોતના સમાચારથી ઘણા ચાહકોની આંખોમાં આંસુ આવી ગયા છે. રડી રડીને પરિવારજનોની હાલત ખરાબ છે.
ડેનિયલના અંતિમ સંસ્કાર આજે તેમના પુરસાઈવલકમ સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવશે. ફેન્સ અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કમલ હાસનની ફિલ્મ Marudhanayagamથી કરી હતી, જે ક્યારેય રિલીઝ થઈ નહોતી. આ પછી તે ટેલિવિઝન તરફ વળ્યા. સિરિયલ ‘ચિઠ્ઠી’એ તેમને લોકો વચ્ચે ફેમસ બનાવી દીધા.
પોતાના ફિલ્મી કરિયરમાં ડેનિયલ બાલાજીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ડેનિયલે તમિલ અને મલયાલમ ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તેઓ Vettaiyadu Vilaiyaadu, Polladhavam અને Vada Chennai જેવી ફિલ્મોમાં તેમના ઉત્તમ અભિનય માટે જાણીતા છે. સાઉથ સિનેમામાં તેમણે કમલ હાસન, થાલાપતિ વિજય અને સૂર્યા જેવા ઘણા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.