તમન્ના ભાટિયાની વધી મુશ્કેલીઓ, એક્ટ્રેસ સાથે EDએ કરી પૂછપરછ- જાણો કયા મામલામાં નામ આવ્યુ

એક્ટ્રેસ તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી રહી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુવાહાટી ઓફિસમાં અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં તમન્ના ભાટિયાની આરોપી તરીકે નહીં પરંતુ આ એપને પ્રમોટ કરવાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

અભિનેત્રી હાલમાં જ ફિલ્મ ‘સ્ત્રી 2’ના કારણે ચર્ચામાં હતી, જેમાં તેનું ગીત ‘આજ કી રાત’ ટ્રેન્ડ કરી રહ્યું હતું. EDએ HPZ એપ કૌભાંડમાં એક્ટ્રેસને પૂછપરછ માટે બોલાવી હતી. તમન્ના લગભગ 1.30 વાગ્યે ગુવાહાટીમાં ED ઓફિસ પહોંચી અને તેની માતા પણ તેની સાથે હતી. આ એપ દ્વારા લોકોને 57,000 રૂપિયાના રોકાણ માટે દરરોજ 4,000 રૂપિયા આપવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

છેતરપિંડી કરવા માટે વિવિધ બેંકોમાં શેલ કંપનીઓના નામે નકલી ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં રોકાણકારો પાસેથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહાદેવ એપના કેટલાક તાર HPZ સાથે પણ જોડાયેલા છે. અભિનેત્રીએ કથિત રીતે ફેરપ્લે સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવાનું પ્રમોશન કર્યું છે.

તમન્ના પર મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપ પર આઈપીએલ મેચ જોવાનું ગેરકાયદેસર રીતે પ્રચાર કરવાનો આરોપ છે. આ મામલે EDએ સમન્સ પાઠવ્યું હતું. સટ્ટાબાજી અને ગેમિંગ એપ્સ પર અલગ-અલગ એજન્સીઓની કાર્યવાહી બાદ બોલિવૂડના ઘણા સ્ટાર્સ તપાસના દાયરામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં બોલિવૂડના 17 સ્ટાર્સ તપાસના દાયરામાં છે.

Shah Jina