સુરત : માથે સવાર મોત, પહેલા પત્ની અને બાળકની હત્યા કરી, પછી માતા-પિતા પર પણ છરીથી કર્યો હુમલો…

27 ડિસેમ્બર વહેલી સવારે સુરતના સરથાણામાં હ્રદય હચમચાવી નાખે એક એવી ઘટના બની. 35 વર્ષીય યુવકે ચપ્પા વડે પહેલા પોતાની પત્ની અને દીકરાની ગળું કાપી હત્યા કરી તે બાદ માતા પિતા પર પણ હુમલો કર્યો. એટલું જ નહિ, પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલામાં પત્ની અને બાળકનું મોત થયું છે જ્યારે માતા-પિતા અને યુવક હાલ સારવાર હેઠળ છે. ત્યારે આ ક્રૂર ઘટનાને હવે યુવકની માતાએ જણાવી. માતાએ કહ્યુ કે, મારો પુત્ર એકલા પડી ગયા હોવાનું કહી તમામના ગળા કાપ્યા હતા.

સ્મિત જીયાણીએ માતા પર ચપ્પુથી હુમલો કર્યો ત્યારે માતાએ એક તમાચો ઝીંક્યો અને ચપ્પુ તૂટી ગયું. જો કે, દીકરા પર ખુન સવાર હોય તેમ તેણે તુટી ગયેલા ચપ્પાથી પોતાના હાથ, ગળા અને છાતી પર ઘા માર્યા. હાલ તો યુવાન અને તેના માતા પિતા સારવાર હેઠળ છે. ગળું કપાયેલી હાલતમાં સ્મિત જીયાણીની ક્રૂરતા અંગે માતાએ જણાવ્યું કે, હું એકલો છું, એટલે મગજમાં ટેન્શન ભરાઈ ગયું છે. હું એકલો છું, હું એકલો રહી ગયો છું એવું સ્મિત કહી રહ્યો હતો.

મારા જેઠનું અવસાન થયું હતું. પાંચ દિવસથી અમે તેમના ઘરે બેસવા જતા હતા. જો કે જેઠના દીકરાઓએ કહી દીધું કે હવે તમે અમારા ઘરે ના આવતા. મારા જેઠ અને મારા પતિ બંને હીરાનું સાથે કામકાજ કરતા હતા. જેને લઈને બંને વચ્ચે મન દુઃખ થઈ ગયું હતું. મારા પતિને એ પાંચ ભાઈઓ છે. જેમાં મારા પતિ નો છેલ્લો નંબર છે એટલે કે અમે સૌથી નાના છીએ. મારા બધા જેઠ ને બધા એક થઈ ગયા અને સ્મિત અને તેના પિતાને અલગ કરી દીધા.

વધુમાં સ્મિત જીયાણીની માતાએ કહ્યુ- મારા જેઠના અવસાન બાદ ત્યાં જતા અમને આવવાની મનાઈ કરી દીધી. મારો દીકરો એકલો થઈ ગયો હોવાથી કહેતો કે મમ્મી હું શું કરું. મેં તેને કહ્યું હતું કે બેટા એકલા હોય તો શું કરીએ ભગવાન બધાના હોય છે. દુનિયામાં એકલા હોઈએ તો એકલા રહેવાય. એ બધાએ એક થઈ ગયા છે અને અમારી પાસે પૈસા માગ્યા કરતા.

પૈસા ન આપે તો કહેતા કે તને નહીં આવવા દઈએ. ઘટનાની વાત કરતા તેમણે જણાવ્યુ કે હું અને મારા પતિ હોલમાં સુતા હતા ત્યારે અચાનક સ્મિત આવ્યો અને ચપ્પુના ઘા મારવા લાગ્યો. હું ઊંઘમાંથી જાગી ત્યારે તે ચપ્પુના ઘા મારી રહ્યો હતો. એટલે મેં તેનો હાથ અને ચપ્પુ પકડ્યુ. આ પછી મેં તેને એક તમાચો પણ માર્યો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું. આ પછી સ્મિતે પોતાને હાથ, છાતી અને ગળા પર પણ ચપ્પુના ઘા માર્યા હતા. આ ક્રૂરતા બાદ માતા ગળું કપાયેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યા અને બુમાબૂમ કરી.

આ પછી પાડોશીઓ દોડી આવ્યા અને પોલીસને જાણ કરી. જે પછી માતા-પિતા અને સ્મિતને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્મિતના ચાર વર્ષના દીકરા અને પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સ્મિત જીયાણી અને તેનો પરિવાર મુળ અમરેલીના સાવરકુંડલાનો છે પણ છેલ્લા ઘણા સમયથી સુરતના સરથાણામાં સૂર્યા એપાર્ટમેન્ટમાં રહે છે. આ મામલે પોલિસે યુવક વિરૂદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

Shah Jina