નિયતિનો ખેલ! પત્ની માટે પતિએ VRS લીધું અને ફેરવેલ પાર્ટીમાં જ પત્નીનું મોત, જુઓ કરુણ ઘટના

રાજસ્થાનના કોટામાંથી કુદરતનો એક વિચિત્ર ખેલ જોવા મળ્યો હતો. જ્યાં સરકારી અધિકારી પતિએ પોતાની સેવાનિવૃત્તિના 3 વર્ષ પહેલા પોતાની બીમાર પત્નીની સેવા માટે VRS લીધું હતું. પણ નિયતિને કંઈક બીજુ જ પસંદ હતુ. જેમાં, VRS લેવાના દિવસે રાખેલી પાર્ટીમાં પત્નીએ જ દુનિયાને અલવિદા કહી દીધું. જ્યારે તમામ લોકો ખુશીથી પાર્ટી કરી રહ્યા હતા, ત્યારે અચાનક પત્ની ખુરશી પર બેઠા બેઠા બેભાન થઈને પડી ગઈ. જે બાદ ત્યાં હાજર લોકો તેમને હોસ્પિટલે લઈ ગયા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાને લઈને સૌ કોઈ ચોંકી ગયા હતા.

પરિવારે સેવાનિવૃત્તિ પર રાખી હતી ફેરવેલ પાર્ટી

કોટાના દાદાબાડી વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર કુમાર સેન્ટ્રલ વેર હાઉસમાં મેનેજરના પદ પર કામ કરતા હતા. પણ તેમની પત્નીને હાર્ટની સમસ્યા હતી અને લાંબા સમયથી બીમાર હતાં. પતિ દેવેન્દ્ર 3 વર્ષ પછી રિટાયર થવાના હતા. પણ પત્નીની દેખરેખ માટે દેવેન્દ્રએ સેવાનિવૃત્તિના 3 વર્ષ પહેલા જ VRS લઈ લીધું. દેવેન્દ્રના દોસ્તો અને સંબંધીઓએ આ અવસર પર નાની એવી પાર્ટી રાખી હતી. પાર્ટીમાં સંબંધીઓ અને દેવેન્દ્રના તમામ દોસ્તો આવ્યા હતા.

આ દરમિયાન સંબંધીઓ અને મિત્રો દેવેન્દ્રને માળા પહેરાવીને નવા જીવનની શુભકામના આપી રહ્યા હતા. ત્યારબાદ દેવેન્દ્રએ પોતાની પત્ની દીપિકાને માળા પહેરાવી. માળા પહેર્યાના થોડી જ વારમાં દીપિકાને ચક્કર આવ્યા અને નીચે પડી જતાં બેભાન થઈ ગયા.જેથી ત્યાં હાજર પરિવારના લોકો તેમને હોસ્પિટલે લઈને પહોંચ્યા. જ્યાં ડોક્ટર્સે દીપિકાને મૃત જાહેર કરી દીધી. આ ઘટનાને લઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. કારણ કે જે પત્નીની સેવા માટે પતિએ VRS લીધું હતું, તે પત્ની જ તેમને છોડીને જતી રહી.

Twinkle