ગુજરાત રાજયમાંથી છાસવારે આત્મહત્યાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ, સુરત અને રાજકોટ, વડોદરામાંથી ઘણીવાર આત્મહત્યાની એવી ઘટના સામે આવતી હોય છે જે જાણી આપણે પણ ચોંકી જઇએ. ઘણી એવી નાની અમથી વાત માટે આજકાલની યુવા પેઢી આત્મહત્યા કરી લેતી હોય છે ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક 20 વર્ષના યુવકે નાની વાતને લઇને પોતાનું જીવન ટૂંકાવી લીધુ.

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના નાનપુરા સુથાર મહોલ્લામાં એક યુવક કે જેનું નામ શાહનવાઝ છે તેની લાશ તેના બનેવીના જન્મ દિવસે જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આપઘાત કરી લેનાર યુવકે બનેવીના જન્મદિવસે હોટલમાં જમવાનું આયોજન થયું હોવાથી પોતાની ફિયાન્સીને બોલાવી હતી. જો કે તે ન આવતાં શાહનવાઝ પણ ગયો નહિ અને તે બાદ આટલી નાની વાતે માઠુ લાગી આવતી તેને ઘરે એકલતાનો લાભ લઈ આપઘાત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શાહનવાઝની 8 મહિના પહેલા જ સગાઈ થઈ હતી. એકના એક ભાઈને પતિના જન્મ દિવસે જ પંખા સાથે લટકતો જોઈ બહેન આઘાતમાં સરી પડી હતી. પરિવારના જણાવ્યા અનુસાર તે એક વકીલના ત્યાં ટાઇપીસ્ટ તરીકે કામ કરતો હતો અને તે 20 વર્ષની નાની ઉંમરે ઘરમાં આર્થિક રીતે મદદરૂપ પણ થતો હતો. તેને તેની એકની એક બહેન અને ભાણી સાથે પણ ઘણો લગાવ હતો.

ગુરુવારના રોજ તેના બનેવીનો જન્મદિવસ હતો અને આ માટે પરિવારે બહાર હોટલમાં જવાનું આયોજન કર્યુ હતુ ત્યારે તેણે તેની ફિયાન્સીને પણ બોલાવવાની ઇચ્છા તેની બહેન સામે વ્યક્ત કરી હતી. બહેને ફોન કરીને તેની થવાવાળી ભાભીને આવવાનું આમંત્રણ પણ આપ્યુ હતુ પરંતુ પરિવારે કોઇ કારણસર ન આવી શકે તેવું જણાવ્યુ અને આ સાંભળી શાહનવાઝ થોડો હતાશ થઇ ગયો હતો. શાહનવાઝ પણ હોટલમાં પરિવાર સાથે ગયો ન હતો અને ત્યારબાદ પરિવાર જયારે પરત આવ્યો ત્યારે શાહનવાઝે દરવાજો ન ખોલ્યો અને એક બાળકને જાળીમાંથી અંદર ઉતારી દરવાજો ખોલાવ્યો ત્યારે બહેન બનેવી અને ભાણીને તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.