સુરતમાં ધો.10ની છેલ્લી પરીક્ષા વિધાથીની માટે બની ગઈ જીવનની છેલ્લી પરીક્ષા, દર્દનાક મૃત્યુ થતા ચારેબાજુ ભારે ચકચાર મચી ગઈ

રાજયમાં બોર્ડની પરિક્ષા ચાલી રહી હતી અને આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા. ક્યાંક કોઇ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો તો ક્યાંક કોઇ વિદ્યાર્થીએ પરિક્ષાના તણાવમાં આપઘાત કરી લીધો. પરંતુ આ દરમિયાન એક ખૂબ જ દુખદ સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. શહેરની ભેસાણ ચોકડી પાસે બાઇક સવાર અને બાઇક ચાલકને ટ્રકે ટક્કર મારતાં દીકરીનું મોત નીપજ્યું. મૃતકની ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી હતી અને તેનું અંગ્રેજીનું છેલ્લું પેપર હતું, ત્યારે અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઇને લોકોમાં રોષ પણ ફાટી નીકળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મૃતકના પિતા ક્રિભકોમાં કોન્ટ્રાકટ સુપર વાઇઝર છે અને તેમને બે સંતાનો છે જેમાં મોટી દીકરીનું નિધન થયું છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ભેસાણ રોડ પર શનિવારે સવારે ધોરણ 10ની વિદ્યાર્થીની પ્રગતિ પરીક્ષાનું છેલ્લું પેપર આપવા માટે માસા સાથે બાઈક પર જતી હતી. ત્યારે રોડ પર એક ટ્રકે બાઇકને ટક્કર મારી જે બાદ બાઇક સવાર વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ગંભીર અકસ્માતમાં માસાને પણ ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ઘટનાને પગલે પરિવારમાં તો શોકનો માહોલ છવાઇ ગયો છે. આ ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થિનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને તે બાદ આગળની તપાસ હાથ ધરી હતી. પરિવારને આ ઘટનાની જાણ થતા તેમના પર તો આભ તૂટી પડ્યું હતું.

પરિવારના આક્રંદથી સમગ્ર વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. પરિવારના જણાવ્યા અનુસાર મૃતક વિદ્યાર્થિની પ્રગતિ ભણવામાં હોશિયાર હતી. ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, અકસ્માત બાદ ટ્રક મૂકી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. અકસ્માતનો ગુનો દાખલ કરીને ડ્રાઈવરની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Shah Jina