સુરતમાં 6 વર્ષનો બાળક ટ્યુશન ના જવું પડે એટલે ચઢી ગયો ટેરેસ ઉપર, પરિવારને અહિયાંથી લાશ મળતા જ બધા ધ્રુજી ઉઠ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત અને અકસ્માતે મોત થવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે, ઘણીવાર તો એવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે કે માસુમ બાળક કંઈક એવું કરી બેસે જેના કારણે દુર્ઘટના સર્જાય છે અને બાળક મોતને પણ ભેટતું હોય છે. હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં એક 6 વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા ગોડાદરામાં આવેલી સાંધીપણી સ્કૂલની નજીક આવેલા ધીરજનગરમાં રહેતા વિષ્ણુભાઈ પટેલના દીકરા સ્મિતને તેની માતાએ ટ્યુશનમાં જવા માટે ઠપકો આપ્યો હતો. સ્મિત ધોરણ 1માં અભ્યાસ કરતો હતો અને તેના ઘરની નજીક જ 100થી 200 મીટર દૂર આવેલા ટ્યુશન ક્લાસમાં જતો હતો.

માતાએ ટ્યુશનમાં જવા માટે થોડી કડકાઈ બતાવતા સ્મિત ટ્યુશન જવા માટે બેગ લઈને નીકળ્યો તો ખરો પરંતુ બાજુના ઘરમાં થઈને ટેરેસ ઉપર જતો રહ્યો. જેના બાદ સાંજે સાત વાગ્યા સુધી તે ઘરે પરત ના ફરતા તેના માતા નયનાબેને વિષ્ણુભાઈને સ્મિત ઘરે ના આવ્યો હોવાની જાણ કરી હતી. જેના બાદ પાડોશીઓને પણ ફોન કરીને તપાસ કરવાનું કહેવામાં આવ્યું, ટ્યુશનમાં પણ તપાસ કરતા સ્મિત ત્યાં પણ નહોતો.

સ્મિતની તમામ જગ્યાએ શોધખોળ કરવા છતાં પણ તે ના મળતા આખરે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના બાદ પોલીસ સ્ટાફ બાળકની તપાસ કરવામાં લાગ્યો હતો. સોસાયટીના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા પરંતુ તે સોસાયટીની બહાર ના નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચારથી પાંચ કલાકની મહેનત બાદ તપાસ કરતા સ્મિતની બેગ અને ચપ્પલ ધાબા ઉપર પાણીની ટાંકી પાસે મળી આવ્યા હતા.

જેના બાદ તપાસ કરતા સ્મિત પાણીમાં પડેલો મળી આવતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલામાં પોલીસે પહેલા અપહરણનો ગુન્હો નોંધ્યો હતો, પરંતુ સ્મિતની લાશ મળી આવતા અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક ધાબા ઉપરથી બીજા ધાબામાં જતા સમયે આ બાળક 2 હજાર લીટરની પાણીની ટાંકીમાં પડી ગયો હતો અને પાણીમાં ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.

Niraj Patel