સુરતમાં 6 લોકોને ફંગોળનાર સાજન પટેલે ઘટના સમયે એટલો દારૂ ઢીંચ્યો હતો કે નામ પણ નહોતો બોલી શક્તો, પોલિસે રિકન્સ્ટ્રક્શન સાથે કાઢ્યો હતો વરઘોડો
સુરતના કાપોદ્રામાંથી હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક બેફામ કાર ચાલકે BRTS રૂટમાં દારૂના નશામાં કારથી 6 લોકોને ઉડાવ્યા હતા અને તે પછી આરોપી સાજન પટેલને લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે ઘટના બાદ તો પોલીસે આરોપી સાજનની ધરપકડ કરી હતી. જો કે તેના પરિવારની વ્યથા પણ જાણવા જેવી છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, તેની માતા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરે છે અને દીકરો પિતાના મોત બાદ ઊંધા રવાડે ચડી ગયા પછી પરિવારે તેને પાછો વાળવા ખૂબ જ પ્રયાસ કર્યો પણ તે વળ્યો નહીં.
રીઢો ગુનેગાર છે સાજન આરોપી
એવો પણ દિવ્ય ભાસ્કરના રીપોર્ટમાં ઉલ્લેખ છે કે સાજનની પત્ની પ્રેગ્નેટ છે અને તેને એક ચાર વર્ષનો દીકરો પણ છે. મૂળ આણંદના સોજીત્રાનો 27 વર્ષીય સાજન ઉર્ફે સની પટેલ ઉત્રાણ વિસ્તારમાં આવેલા રાજપૂત ફળિયામાં પરિવાર સાથે રહે છે. સાજન કાર લે-વેચ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે અને તેને દર વખતે ખોટ જાય છે. તેની માતા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરે છે. સાજનની પત્ની 9 માસથી પ્રેગ્નેટ છે. સાજન પટેલના પિતાનું 15 વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું અને તે પછી સાજન માનસિક તણાવમાં આવી ગયો અને દારૂના રવાડે ચડી ગયો. તે રોજ દારૂના નશામાં રહેતો.
પિતાની મોત બાદ ચઢી ગયો ઊંધા રસ્તે
જો કે, તેની માતા અને તેની પત્નીએ તેને દારૂ ન પીવા સમજાવ્યો પણ તે સમજતો જ નથી. તેણે ધોરણ 10 સુધી ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો હોવાનું પણ સામે આવ્યુ છે અને તેણે પ્લાસ્ટિક એન્જિનિયરનો કોર્સ પણ કર્યો છે. જો કે, સાજન નોકરી પણ કરી રહ્યો હતો અને ત્યાર બાદ સુરત આવી ગયો અને ધોરણ 11મા અભ્યાસ શરૂ કર્યો. જોકે સ્કૂલ છોડી દીધી પછી તે નવા નવા ધંધા કરતો અને ખોટ કરતો. સાજને થોડાં વર્ષો પહેલાં કાર લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો અને તે બાદથી તે દારૂના રવાડે ચડી ગયો હતો. તેના સંપર્કમાં આવતા લોકો પણ તેને તેના જેવા જ મળતા.
પત્ની પ્રેગ્નેટ, ચાર વર્ષનો દીકરો, માતા કરી રહી છે નોકરી
હાલ તો પરિવારના ઘર ચલાવવાના પણ ફાંફાં છે અને દારૂના કારણે તે ધંધામાં પણ ખોટ કરી રહ્યો છે. ઘર અને કાર પર લોન લીધી હોવાથી એના હપતા પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ઘટના બાદ કાપોદ્રા પોલીસની ટીમ સાજનને લઈને રિક્ન્સ્ટ્રક્શન કરવા પહોંચી હતી અને સાજને બે હાથ જોડીને માફી પણ માગી હતી. ત્યારે મિત્રની બર્થ-ડેમાં દારૂ ઢીંચી ઘર તરફ પરત જઇ રહેલા સાજન દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો છે તેને લઇને શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો આવા નબીરાઓ પર સખત કાર્યવાહીની માગ કરી રહ્યા છે.