હત્યારા ફેનિલે ચપ્પુ કેવી રીતે ખરીદ્યુ અને ગ્રીષ્માના ગળા ઉપર કેવી રીતે ફેરવ્યું ? તેનો ડેમો કરાવ્યો, કેસનું થઇ રહ્યું છે રિકન્સ્ટ્રક્શન

સુરતના બહુ ચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસની અંદર પોલીસની તપાસનો ધમધમાટ શરૂ છે. ગઈકાલે આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જેના બાદ આજે આ હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘટનાના દિવસે શું શું બન્યું હતું તેને લઈને આરોપી ફેનિલને સાથે રાખીને પોલીસે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.

ગ્રીષ્મા હત્યા કેસની અંદર SITની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા આરોપી ફેનિલને સાથે રાખીને અલગ અલગ જગ્યા ઉપર લઇ જવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી કે બનાવના દિવસે તે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી. આ બધી જગ્યા ઉપર ફેનિલને સાથે લઈને પોલીસ ફરી હતી.

ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો જેના બાદ તે તેના મિત્ર સાથે અમરોલી વુસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો. જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને લઇ જવામાં આવ્યો હતો.

જયારે ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે રિકન્સ્ટ્રક્શન કરવા લાવવામાં આવ્યો હતો ત્યારે તેને જોઈને ગ્રીષ્માના પરિવારમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો.

ફેનિલને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સૌ પ્રથમ કામરેજ પોલીસ સ્ટેશનથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્રના કાફે લઈ જવામાં આવ્યો, જેના બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી અમરોલી વિસ્તારમાં યુવતીની કોલેજ અને છેલ્લે પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી ત્યાં લાવવામાં આવ્યો. જ્યાં વીડિયોમાં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરાવવામાં આવ્યો હતો.

ફેનિલ ગોયાણીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જેના બાદ કોર્ટમાં તેને ગઈકાલે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં વિવિધ મુદ્દાઓને લઈને કોર્ટમાં તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પોલીસ આરોપી ફેનિલ ગોયાણીને લઈને કઠોર કોર્ટમાં પહોંચી હતી, જ્યાં પોલીસ દ્વારા વિવિધ મુદ્દા માટે રિમાન્ડ મંગાવામાં આવ્યા હતા.

જેમાં પહેલો મુદ્દો હતો આરોપીએ ગુનો કરવામાં બે મોટા છરાનો ઉપયોગ કરેલ છે.તે પૈકી એક છરો ક્યાંથી કોની પાસે અને કેવી રીતે મેળવેલ છે.તે બાબતે ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે. તો બીજો મુદ્દો ગુનો કરવામાં હાલના આરોપી ઉપરાંત અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ ? તે અંગે આ આરોપીને સાથે રાખી ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે.

ત્રીજો મુદ્દો આરોપી અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ ? તે દિશામાં તપાસ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે. તો ચોથા મુદ્દા તરીકે  આરોપીને સાથે રાખી ઘટના અંગેનું રીકંસટ્રકશન પંચનામુ કરવાનું હોય આરોપીની હાજરીની જરૂરીયાત છે. આ ઉપરાંત પાંચમો મુદ્દો આરોપીએ ગુનો કર્યા બાદ સાહેદ સાથે કરેલ વાતચીતનું રેકોડીંગ થયેલ હોય જેથી વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરવા અર્થે સાહેદ તથા આરોપીને ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઇ જઇ વોઇઝ સેમ્પલ લેવડાવવા હાજરીની જરૂરીયાત છે

પોલીસ દ્વારા સાતમા મુદ્દા તરીકે આરોપીની ઓળખ માટે સાયન્ટીફીક પુરાવા મેળવવા આરોપીની હાજરીની જરૂરીયાત છે. તો આઠમા મુદ્દામાં આરોપી પોલીસ પધ્ધતિથી વાકેફ હોય અને હકીકત છુપાવતો હોય તેમજ આરોપીને ઇજા થયેલ હોય યુકતિ પ્રયુકતિ પુર્વક ગુનાને લગતી ઝીણવટ ભરી પુછપરછ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે.

કોર્ટની બહાર ગ્રીષ્માના સરકારી  વકીલ દ્વારા મીડિયા સાથે પણ વાતચીત કરવામાં  હતી, ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોર્ટમાં આરોપી ફેનિલનો બોડી લેન્ગવેજ કેવો હતો, ત્યારે જવાબમાં સરકારી વકીલે કહ્યુ કે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર કોઈ પશ્ચયાતાપ દેખાતો નહોતો તેવું તેના બોડી લેન્ગવેજ પરથી દેખાતું હતું.

Niraj Patel