ખબર

સુરતમાં લેડી ડોન બનવાના અભરખા સાથે ધમાલ કરતી ભાવલીને પોલિસે ભણાવ્યો પાઠ, હાથમાં લાકડી લઈ…

ગુજરાતમાંથી ઘણીવાર એવી એવી ઘટના સામે આવે છે, જેમાં કોઇ છોકરી અને તેના સાગરીતો દ્વારા દબંગાઇ બતાવવામાં આવતી હોય છે. જો કે, આવી ઘટનાઓ સામે આવતા પોલિસ પણ સતર્ક થઇ જતી હોય છે અને પછી તેમને પકડી પાઠ પણ ભણાવતી હોય છે. સુરતમાંથી ઘણી લેડી ડોનના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે, જેમાં સુરતમાં એક યુવતીને લેડી ડોન બનવાના અભરખા જાગ્યા હતા અને આ યુવતિની હવે કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જે હાથમાં લાકડી લઈ લોકોને ધમકાવવાનો હતો. આ વીડિયોમાં ભાવના ઉર્ફે ભાવલી જોવા મળી રહી હતી અને ભાવલી આ પહેલા પણ સુરત અને દમણમાં પકડાઇ ચુકી છે. ભાવલી લેડી ડોન બનવાના અભરખા સાથે ધમાલ કરતી, ત્યારે હવે પોલીસે પાઠ ભણાવી તેના પર કાર્યવાહી કરી છે.ભાવલીને લેડી ડોન બનવુ હતુ અને તેને માટે તેણે લોકોને ડરાવવાનું શરૂ કર્યું. જો કે પોલીસે તેના સપનાને રગદોળી તેને પાઠ ભણાવવા જેલના સળિયા પાછળ ધકેલી દીધી.

ઘટનાની વાત કરીએ તો, સુરતના કાપોદ્રામાં નાલંદા સ્કૂલ પાસે આવેલ સોસાયટીમાં ભાવલી અને તેના મિત્રોએ મોટરસાયકલ પર ભારે ધમાલ મચાવી હતી અને હાથમાં હથિયારો પણ લીધેલા હતા. આ ઉપરાંત રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના કાચ પણ તોડી નાખ્યા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા કાપોદ્રા પોલીસે ભાવલી અને તેના ચાર મિત્રો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો અને તપાસ કરી હતી. ત્યારે આ મામલે પોલીસે ગત રોજ તેના ચાર મિત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવલી સુરતમાં જ નહીં પણ દમણ ખાતે પણ તેના મિત્રો સાથે ગઈ હતી અને ત્યાં પણ ધમાલ મચાવી હતી અને ભાવલી અને તેના મિત્રોએ નાની દમણમાં ધમાલમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે ભાવલી સામે 307 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. આ મામલામાં ભાવના વોન્ટેડ છે અને હવે ભાવનાનો કબજો દમણ પોલીસને સોંપવામાં આવશે.