સુરતમાં પ્રેમી પંખીડાનો આપઘાત, સંબંધીની દીકરી સાથે મળી ગઇ હતી આંખ- એક મહિના પહેલા ઘરેથી ભાગ્યા હતા

સુરતમાં પરિણીત પ્રેમીએ અપરિણીત પ્રેમિકા સાથે કર્યો આપઘાત, એક હૂકમાં દોરીના બંને છેડે લટકી ગયાં, એક મહિના પહેલા જ ઘરેથી ભાગ્યા હતા

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણ હોય છે. ત્યારે હાલમાં સુરતના પુણા વિસ્તારમાં એક પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીત પ્રેમી અને અપરિણીત પ્રેમિકા હજુ તો એક મહિના પહેલાં જ રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યાં હતાં અને તે બાદ ગત રોજ રાત્રે અગમ્ય કારણોસર બંનેએ આપઘાત કરી લીધો. હાલ તો આપઘાતનું કારણ અકબંધ છે.

જો કે આપઘાત પહેલાં યુવકે તેની બહેનને હૂકમાં દોરી બાંધી હોય એવો ફોટો મોકલ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના અને સુરતના પુણા વિસ્તારમાં આવેલ ચોક ખાતે આવેલી બીવી પાર્ક સોસાયટીમાં રહેતા હુકમસિંહ ચુડાવતનો પરિવાર વતન રાજસ્થાનમાં રહે છે. હુકમસિંહના લગ્ન 16 વર્ષ પહેલાં થયા હતા અને આ લગ્નથી તેને બે સંતાન પણ છે. જો કે અઢી વર્ષ પહેલાં સંબંધીની દીકરી સાથે હુકમની આંખ મળી જતા તે અપરિણીત પ્રેમિકા સાથે એક મહિના પહેલાં રાજસ્થાનથી ભાગીને સુરત આવી ગયો હતો.

હુકમસિંહ રાજસ્થાનમાં મોબાઈલની દુકાન ચલાવતો હતો અને સુરતમાં લોટ દળવાની ઘંટીનો ધંધો શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, બંનેના ભાગી જતા પરિવારે તેમનો સંપર્ક છોડી દીધો હતો પરંતુ હુકમસિંહ સાથે તેની બહેનો સંપર્કમાં હતી. ત્યારે ગત રોજ હુકમસિંહે બહેનને હૂક સાથે દોરી બાંધી હોવાનો એક ફોટો મોકલ્યો અને પછી ફોન સ્વિચઓફ કરી દીધો. બહેને ફોટો જોયા બાદ ભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક ન થઈ શકતા એક બહેન અને જીજાજી કે જે સુરતમાં જ રહે છે તેમને જાણ કરતા તે હુકમસિંહના ઘરે પહોંચ્યાં.

દરવાજો ખખડાવવા છતાં પણ કોઈએ ન ખોલતા પોલીસ કંટ્રોલમાં જાણ કરી અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો હતો. દરવાજો ખોલતા જ અંદર પ્રેમ પંખીડા દોરીના બંને છેડે લટકતી હાલતમાં મળી આવ્યા. યુવતિના પરિવારને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, હુકમસિંહના મૃતદેહને રાજસ્થાન લઈ જવામાં આવશે. જ્યારે યુવતિ મુદ્દે પરિવારના જણાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina