સુરતમાંથી તો ગુના અટકવાનું નામ જ નથી લઇ રહ્યા. હાલમાં થોડા સમય પહેલા જ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી નામના યુવક દ્વારા હત્યા નિપજાવી દેવામાં આવી હતી. તે બાદથી આ કેસ સતત ચર્ચામાં છે અને આ કેસના પડઘા હજુ પણ શાંત થયા નથી. આ કેસમાં રોજ રોજ અનેક નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે, ત્યાં સુરતમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ હજી પણ અટકવાનું નામ નથી લઇ રહી. હાલમાં જ એકતરફી પ્રેમીથી કંટાળી સુરતના પાસોદરાની એક પરણિતાએ અગ્નિસ્નાન કર્યુ હોવાની ઘટના સામે આવી છે.
ઘટનાની વિગત તપાસીએ તો, પાસોદરા વિસ્તારની એક પરણિતાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. એક તરફી પ્રેમમાં અંધ બનેલ યુવક આ પરણિતાને હેરાન કરતો હતો અને આ જ હેરાનગતિને કારણે પરણિતાએ અગ્નિસ્નાન કરી લીધુ હતુ. હાલ તો આ સમગ્ર મામલે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક પરણિતાએ છેલ્લા શ્વાસ લેતા પહેલા પોતાની આપવીતી જણાવી હતી.

જણાવી દઇએ કે, છેલ્લા થોડા સમયથી સુરતનો ગ્રીષ્મા વેકરિયા કેસ ખૂબ ચર્ચામાં છે. એક તરફી પ્રેમમાં ફેનીલે ગ્રીષ્માનું ગળુ કાપી તેની હત્યા કરી દીધી હતી. આ કેસમાં પોલિસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ આરોપી ફેનીલ પાસે કરાવ્યુ હતુ. ફેનીલે ગ્રીષ્માને પાછળથી પકડી હતી અને તેના ગળા પર ચપ્પાથી વાર કર્યો હતો. આ દરમિયાન ગ્રીષ્મા પણ બૂમો પાડી રહી હતી કે મને છોડી દે મને મૂકી દે… પરંતુ ફેનીલના માથે તો કાળ સવાર હતો અને તેણે કંઇ જ સાંભળ્યુ ન હતુ.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ઘણા ખુલાસાઓ અત્યાર સુધી થયા છે. પોલિસને આરોપી ફેનીલના કોર્ટ પાસેથી 3 દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા. જેમાં અનેક ખુલાસાઓ થયા હતા. પોલિસને અનેક ફુટેજ પણ હાથ લાગ્યા હતા. આ ઉપરાંત ફેનીલની ઓડિયો ક્લીપ પણ પોલિસને હાથે લાગી હતી. ફેનીલે ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઇને પણ ઇજા પહોંચાડી હતી. પોલિસ આજે ફેનીલ વિરૂદ્ધ લગભગ 1000 પાનાની ચાર્જશીટ પણ ફાઇલ કરવાની છે.