ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનું હાલમાં જ મહાશિવરાત્રિના રોજ સમાપન થયુ, મહાકુંભ દરમિયાન ઘણી દુખદ ઘટના બની, જેમાંની એક એ હતી કે સંગમ પાસે ડૂબકી લગાવતો સુરતનો યુવક મૃત્યુના દ્વારે પહોંચ્યો. 12 ફેબ્રુઆરીના રોજ ડૂબકી લગાવતાં સુરતનો યુવક તણાયો હતો, જેની શોધખોળ સ્થાનિક ફાયર, NDRF સહિતની ટીમ દ્વારા કરવામાં આવી. જો કે મિત્ર સાથે મહાકુંભ પહોંચેલા યુવકનો 14 દિવસ બાદ પણ કોઈ પત્તો નથી લાગ્યો. આ દુર્ઘટનાને પગલે પરિવારમાં શોક ફેલાયો છે. જો કે પરિવારે બેસણું અને બારમું કરી નાખ્યું છે, પણ પરિવારને છેલ્લીવાર યુવકનો ચહેરો જોવા મળે એવી આશા છે.
જણાવી દઇએ કે, ત્રિવેણી સંગમમાં આ યુવક ડૂબકી લગાવી રહ્યો હતો અને તેનો મિત્ર વીડિયો બનાવતો હતો. આ દરમિયાન યુવકનો પગ સ્લિપ થતાં તે ડૂબી ગયો અને ત્યાર બાદ તણાયો. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ અમરેલીના મોટા લિલિયામાં પીપળવા ગામના વતની અને હાલ કતારગામ લલિતા ચોકડી પાસે આવેલ પંચવટી સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો ને એથર કંપનીમાં કેમિકલ એન્જિનિયર તરીકે કામ કરી ગુજરાન ચલાવતો 32 વર્ષીય કમલેશ વિનુભાઈ વઘાસિયા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે મહાકુંભ ગયો હતો.
8 ફેબ્રુઆરીએ બપોરે બંને મિત્ર સુરતથી નીકળ્યા અને સૌપ્રથમ ઉત્તરપ્રદેશના રીવા ખાતે પહોંચ્યા, જ્યાંથી વારાણસી પહોંચી કાશી વિશ્વનાથ અને ગંગા નદી કિનારે ઘાટનાં દર્શન કર્યાં. આ પછી અયોધ્યા ખાતે કમલેશ અને અક્ષયે ભગવાન રામના દર્શન કર્યા. ત્યાર બાદ બંને મિત્રો મહાકુંભ 12 ફેબ્રુઆરીએ પહોંચ્યા. 12 ફેબ્રુઆરીએ પૂનમનું શાહી સ્નાન સ્થાન હતું. એટલે બંને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે પહોંચ્યા. ભક્તોની ભીડ વધુ હોવાને કારણે કમલેશે મિત્ર અક્ષયને ઘાટથી થોડા અંતરે નાગવાસુકી ઘાટ પાસે જઈને ડૂબકી લગાવવાનું કહ્યું. પહેલાં કમલેશ ડૂબકી લગાવવા સંગમમાં ઊતર્યો અને છ ડૂબકી લગાવ્યા બાદ પગ લપસતા ગુમ થઈ ગયો.
ત્યારે આ જોઇ કિનારે ઊભેલો અક્ષય સ્તબ્ધ થઈ ગયો. તાત્કાલિક તેણે નજીકમાં ઊભેલા પોલીસકર્મીને જાણ કરી અને પછી ફાયર અને NDRFની ટીમને જાણ કરતા શોધખોળ હાથ ધરવામાં આવી, જો કે 14 દિવસ બાદ પણ કમલેશભાઈની કોઈ ભાળ મળી નથી. કમલેશભાઈનાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે ઘણા દિવસો સુધી ભાળ ન મળ્યા બાદ 12 ફેબ્રુઆરીના રોજ કમલેશનું મોત થયું હોય એવું માની 21 ફેબ્રુઆરીએ તેનું બેસણું રાખવામાં આવ્યું અને 24 ફેબ્રુઆરીએ બારમું પણ કરી નખાયુ. કમલેશના ગુમ થયાને 14-14 દિવસ વીતી ગયા છે અને પરિવાર હજુ પણ તેના અંતિમ દર્શન માટે આશા રાખી બેઠો છે.