ગુજરાતમાંથી ઘણીવાર હિટ એન્ડ રનના કેસ સામે આવે છે, જેમાં અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે, જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલમાં જ સુરતના આઉટર રીંગ રોડના વાલક બ્રિજ પર 7 ફેબ્રુઆરીની મોડીરાત્રે એક ઘટના બની. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કુદાવી સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા અને છ વ્યક્તિને ઉડાવ્યાં.
આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું અને અન્ય ગંભીર રીતે ઘાયલ છે જેમની સારવાર ચાલી રહી છે. મૃતકો બંને સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે, જો કે તેનો પુત્ર કિર્તન ડાંખરા કાર ચલાવતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતાં. જ્યારે કારની સ્પિડ 130થી 150 હોવાનું કહેવાઇ રહ્યુ છે.
એવું પણ કહેવાઇ રહ્યુ છે કે કારમાં સવાર તમામ નશાની હાલતમાં હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ ઉપરાંત અડફેટે આવેલ વાહનોનો પણ કડુચલો બોલાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ લસકાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતને પગલે લોકો પણ એકઠા થઈ ગયા હતા.

અકસ્માત સમયે કારમાં ચારેક જેટલા યુવાનો હતા, જે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા અને અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયાનું મોત થયુ છે.જ્યારે અન્ચ ચાર ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાને કારણે તેમને સારવાર અર્થે ખસેડાયા છે.