સુરતના યાદગાર લગ્ન : વરરાજા પોતાની દુલ્હનને લેવા માટે હેલિકોપ્ટરમાં આવી પહોંચ્યા, થયુ દબદબાભેર સ્વાગત

સુરતમાં માલધારી સમાજના અગ્રણીના દીકરાના લગ્નમાં રજવાડી માહોલ સર્જાયો, લોકો આંખો ફાડી ફાડીને જોતા રહી ગયા

હાલ તો લગ્નની સિઝન ચાલી રહી છે, ટીવી ઇન્ડસ્ટ્રી અને બોલિવુડના ઘણા સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા છે ત્યારે સેલિબ્રિટી સિવાય પણ ઘણા લગ્નો થઇ રહ્યા છે અને છેલ્લા એકાદ દોઢ વર્ષમાં કોરોનાને કારણે જે આનંદ જોવા મળ્યો ન હતો તે હવે જોવા મળી રહ્યો છે.

લોકો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના દીકરા, દીકરી, ભાઇ અને બહેનને પરણાવી રહ્યા છે. આજે કોઇ પણ વ્યક્તિ હોય તે પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગતા હોય છે, અને આના માટે તેઓ અવનવા પેતરા અજમાવતા હોય છે.

હાલમાં તો હેલિકોપ્ટરમાં જાન લઇને આવવાનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે, થોડા સમય પહેલા જ ડિસામાં આવો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક દુલ્હને જીદ પકડી હતી કે તેનો દુલ્હો તેને હેલિકોપ્ટરમાં લેવા આવે. ત્યારે હવે ફરી એકવાર ગુજરાતના સુરતમાં આ કિસ્સો સામે આવ્યો છે

એક માલધારી સમાજના અગ્રણીના દીકરાના અનોખા લગ્ન યોજાયા હતા અને આ લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે વરરાજા હેલિકોપ્ટરમાં આવ્યા હતા. વરરાજાનું નામ રાહુુલ જોગરાણા છે અને હાલ તેના અનોખા લગ્નની ઠેર ઠેર ચર્ચાઓ થઇ રહી છે. વરરાજા પોતે હેલિકોપ્ટરમાં જાન લઇને પહોંચ્યા હતા અને જાનૈયા વરઘોડામાં નાચતા હતા ત્યારે તેમના પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં પણ આવી હતી.

આ સાથે જ લગ્નમાં રજવાડી માહોલ સર્જાયો હતો. વરરાજાની જાન હેલિકોપ્ટરમાં આવતા લોકોમાં કૂતુહલ સર્જાયુ હતુ અને વરરાજાનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાહુલ ભટાર ખાતે રહે છે અને તેની જાન ખંજોદ મુકામ લઇ જવામાં આવી હતી. મિત્રો દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યુ હતુ.

ગ્રામજનો પણ આ અનોખી જાન જોવા માટે એકઠા થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કન્યાના પરિવાર દ્વારા વર-વધુને સોલાર પેનલ ભેટ આપવામાં આવી હતી.

Shah Jina