સુરતમાં માત્ર 5 જ વર્ષની બાળકીનું થયું દર્દનાક મૃત્યુ…સમગ્ર ઘટના જાણીને ધ્રુજારી ઉપડી જશે
નાના બાળકો અવાર નવાર કોઈ વસ્તુ મોઢામાં નાખી દેતા તેમનો જીવ જોખમમાં મુકાયાના કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે હાલ સુરતમાં એક 5 વર્ષની ફૂલ જેવી દીકરીને શ્વાસનળીમાં તાવની ગોળી ફસાઈ જવાના કારણે મોત નીપજ્યું હોવાની ખબર આવી રહી છે, દીકરીના મોતના કારણે પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લિંબાયતના મારૂતિ નગરમાં રૂસ્તમપાર્ક ખાતે રહેતા બિલાલ અન્સારીની પાંચ વર્ષની દીકરી મુસ્કાનને તાવ આવ્યો હતો, જેના બાદ નજીકના ક્લિનિકમાંથી દવા લાવવામાં આવી હતી. મંગળવારે રાત્રે દવા લીધા બાદ મુસ્કાનની તબિયતમાં સુધારો પણ થયો હતો.
પરંતુ બુધવારના રોજ આ તાવની ગોળી મુસ્કાને જાતે જ ગળવાનો પ્રયત્ન કર્યો હતો. આ દવાની ટીકડી તેના ગળામાં શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી અને શ્વાસ રૂંધાવાના કારણે તે અચાનક બેભાન થઈ ગઈ હતી. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને લઇ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલમાં તબીબોએ મુસ્કાનને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પરિવારના ના કહેવાના કારણે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. દીકરીના આમ અકાળે મોતના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો.