સુરતમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, માતાને લખી અંતિમ ચિઠ્ઠી- ‘અજાણ્યા પર વિશ્વાસ કરી ભૂલ…’

સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, મહિલાના રૂમમાંથી મળી આવી સુસાઇડ નોટ,  ‘અજાણ્યા પર વિશ્વાસ કરી ભૂલ…’ જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ, વિશ્વાસઘાત સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં જ સુરતના સીંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતકે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી, જે પોલીસને મળી આવી છે.

આ નોટમાં મૃતકે માતાને ઉદ્દેશીને લખ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકી ભૂલ કરી. ત્યારે હવે સિંગણપોર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરી સીંગણપુર વિસ્તારમાં આવેલ મહેશ્વરી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્યારે ગત રોજ તેમણે ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

પોલીસ અનુસાર, મહિલા કોન્સ્ટેબલ રાત સુધી તો પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર હતા. તે બાદ ન આવતા તેમનો સંપર્ક થઈ શક્યો નહિ અને તપાસ કરતા તેમનો મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવ્યો. જો કે, ઘરે કોઈ હાજર ન હોવાથી હંસાબેને પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાને લઇ સિંગણપોર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડી આવ્યો અને મૃતદેહને પીએમ ખાતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી પરિવારને જાણ કરાઇ હતી.

આપઘાત બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરી તો તેમને એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં તેમણે માતાને ઉદ્દેશીને લખ્યુ હતુ- અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે મારી ભૂલ હતી. ત્યારે હાલ આ અજાણી વ્યક્તિ કોણ છે તેની કોઇ જાણ થઈ શકી નથી. પોલીસે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina