ખબર

સુરતની ડોક્ટર યુવતીએ આખરે શા કારણે મોતને કર્યું વહાલું ? ઈન્જેક્શનના ઓવર ડોઝ લીધા અને પછી રૂમમાંથી મળી લાશ

રાજ્યભરમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ખાસ કરીને યુવા વર્ગ નાની નાની વાતોમાં આવીને મોતને વહાલું કરી લેતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં સ્મીમેર હોસ્પિટલની એક યુવતી જે હોસ્પિટલમાં તબીબ હતી તેને મોતને વહાલું કરી લેતા ચકચારી મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની સ્મીમેર હોસ્પિટલની અંદર ફરજ બજાવી રહેલી ડોકર યુવતીએ ઈન્જેક્શનના ઓવરડોઝ લઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરી લેનાર તબીબનું નામ જીગીશા પટેલ હોવાનું સામે આવ્યું છે. તેની લાશ ક્વાટર રૂમમાંથી મળી આવી હતી. તેના આપઘાત પાછળનું કોઈ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

પોલીસને ડોક્ટર જીગીશા પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેને પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું અને તેની પાછળ કોઈ જવાબદાર ના હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલમાં એવો પણ ગણગણાટ ચાલી રહ્યો છે કે જીગીશાએ સિનિયર્સના ત્રાસના કારણે આપઘાત કર્યો છે.

મીડિયા રિપોર્ટ દ્વારા એમ પણ માહિતી મળી રહી છે કે એક મહિના અગાઉ સિનિયર્સના ત્રાસના કારણે જીગીશા ઘરે પણ ચાલી ગઈ હતી. પરંતુ મિત્રોના કહેવાના કારણે તે પોતાની ફરજ ઉપર પાછી જોડાઈ ગઈ હતી. જેના બાદ હાલ તેને એનેસ્થેસિયાના ઇન્જેક્શનના વધુ પડતા ડોઝ લઈને મોતને વહાલું કરી લીધું છે.

ડોક્ટર જીગીશા મૂળ મહુવાના કરચેલીયા ગામની વતની હતી. 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જીગીશાના માતા પિતા બંને શિક્ષક છે. રિવારમાં બે બહેનો છે. એક બહેન ઈન્ટર્નશીપ કરી રહી છે.

જીગીશાના આપઘાત કરવાના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે. આપઘાત પૂર્વે જીગીશાએ પરિવાર સાથે પણ વાત કરી હતી. તો જીગીશાએ આપઘાત પૂર્વે જ રાતથી જ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારને જીગીશાનો ફોન સ્વીચ ઓફ છે તેની જાણ સવારે થઇ હતી. જયારે તેની માતા સ્મીમેર ક્વાર્ટરમાં પહોંચી ત્યારે દીકરીને મૃત હાલતમાં જોઈને તેમની પણ ચીસ નીકળી ગઈ હતી. ત્યારે પોલીસે હવે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.