ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણના હાર્ટ એટેકથી મોત ! સુરતમાં હત્યારી માતાનું જેલમાં તો ડીસા અને ભુજમાં પણ એક-એક વ્યક્તિનું મોત

હવે રોજે રોજ લોકો હાર્ટ એટેકથી તડપી તડપીને મરી રહ્યા છે, સુરતમાં 3 મર્યા, જાણો સમગ્ર મામલો

Heart Attack case : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં જ ઘણા લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા છે. ત્યાં હાલમાં રાજ્યમાંથી એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, આ કહેવત તો જાણે સાચી પડી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં એક મહિલા, ડીસામાં બોર ઓપરેટર અને ભુજના ડિઝાસ્ટર મામલતદારના મોતની ઘટના સામે આવી છે.

સુરતમાં જે મહિલાનું હાર્ટ એટેકથી મોત થયુ છે તેણે પાંચ વર્ષીય પુત્રીની હત્યા કરી હતી અને તે લાજપોર જેલમાં બંધ હતી. તે અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ મોતને ભેટી હતી. જ્યારે ડીસા નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે કામ કરતા વ્યક્તિ ફરજ પર ઢળી પડ્યા હતા અને તે પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ભુજમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનું પાલનપુર ખાતે હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેડ દરવાજા ફટાકડાવાડીમાં આવેલ રાજીવનગર વસાહતમાં રહેતી બિલ્કિસ બાનુએ પાંચ વર્ષીય પુત્રીની હત્યાના કરી હતી અને તે અંતર્ગત તે 29 એપ્રિલ 2023થી લાજપોર જેલમાં બંધ હતી. આ દરમિયાન કાચા કામના કેદી તરીકે કારાવાસ ભોગવતી બિલ્કિસ બાનુને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ જેલના દવાખાનામાં સારવાર કરાવી સિવિલમાં ખસેડી હતી અને તે બાદ તેને સારવાર મળે એ પહેલાં તેનું મોત થયુ હતું.

બીજા કિસ્સાની વાત કરીએ તો, ડીસાના નવાવાસ વિસ્તારમાં રહેતા કીર્તિભાઈ સોલંકી છેલ્લા 27 વર્ષથી નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રોજની જેમ એસીડબલ્યુ હાઈસ્કૂલમાં આવેલ પાણીના બોર પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જ તેઓ અચાનક સ્થળ પર ઢળી પડ્યા અને પછી તેમને ડીસાની ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પણ ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ત્રીજા કિસ્સાની વાત કરીએ તો, મૂળ બનાસકાંઠાના અને હાલ ભુજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના પદે મામલતદાર તરીકે ફરજ બજાવતા હૈદરખાન નાગોરીને પાલનપુર ખાતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. હૈદરખાન નાગોરી શનિ-રવિની રજા હોવાને કારણે વતન પાલનપુર ગયા હતા અને ત્યાં ગાગોદર પાસે ટ્રાફિકજામના કારણે ભુજ તરફનો ધોરીમાર્ગ બંધ હોવાથી સદ્દગત રેલ માર્ગે આવવા રાત્રિના 2 વાગ્યે ઘરેથી રીક્ષા મારફતે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

પાલનપુરથી રાત્રે 2.30 વાગ્યાની ટ્રેનમાં બેસે તે પહેલા જ તેમને છાતીમાં ગભરામણ શરૂ થયા બાદ તેઓ પ્રવાસ ટાળી પરત ઘરે પહોંચ્યા. જો કે, તેમને ઘરે ગયા બાદ પરિજનો ખાનગી હોસ્પિટલમાં લઇ પહોંચ્યા પણ સારવાર કારગત નીવડે એ પહેલા જ તેમનું અવસાન થઇ ગયું.

Shah Jina