સુરતના હીરા વેપારીના પુત્રએ ડિઝાઇનર મોંઘાં વસ્ત્રો છોડી ભગવાન રામનો વેશ ધારણ કરી કર્યા લગ્ન, દુલ્હને પણ માથે પહેર્યો મુકુટ

અયોધ્યા અને સમગ્ર દેશ માટે 22 જાન્યુઆરી 2024નો દિવસ ઐતિહાસિક બન્યો. આ દિવસે સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતના એક હીરાના વેપારીના પુત્રના લગ્વ 22મી જાન્યુઆરીના રોજ થયા અને આ ખાસ દિવસને યાદગાર બનાવવા વરરાજાએ ભગવાન શ્રીરામનો વેશ ધારણ કર્યો હતો અને લગ્નવિધિ સંપન્ન કરી હતી. વરરાજાને રામના વેશમાં જોતા મહેમાનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

આર્થિક રીતે સંપન્ન પરિવારના દીકરાએ ડિઝાઇનર મોંઘાં વસ્ત્રો છોડી ભગવાન રામનો પહેરવેશ ધારણ કર્યો હતો અને સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે નિર્ણય લીધો હતો. જણાવી દઇએ કે, વરરાજાનું નામ રાજ મોનપરા છે, જે વ્યવસાયે લેબ્રોન ડાયમંડ જ્વેલરી બનાવવા સાથે સંકળાયેલ છે. રાજની દુલ્હને પણ માથે મુકુટ પહેરી લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો હતો.

રાજે ભગવાન રામની માફક હાથમાં ધનુષ અને માથે મુગટ સાથે લગ્નમંડપમાં પ્રવેશ કર્યો. શુભમ જેમ્સના માલિક દિનેશ મોનપરા અનુસાર, 8 મહિના પહેલા તેમના દીકરા રાજના લગ્નની તારીખ 22મી જાન્યુઆરી નક્કી થઇ હતી. પણ જ્યારે 22 જાન્યુઆરી રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જાહેર થઈ ત્યારે તેઓ ખુશ થઈ ગયા. લગ્ન માટે રાજે ડિઝાઇનર કપડાં પણ નક્કી કરી લીધાં હતાં.

પણ છેલ્લા બે-ત્રણ દિવસમાં દેશભરમાં જે રીતનો માહોલ હતો અને ભગવાન રામ પ્રત્યે જે આદરભાવ જોવા મળ્યો ત્યારે વિચાર આવ્યો કે જો દીકરો રાજ પણ રામ બનીને લગ્નવિધિમાં જોડાય તો ખૂબ સરસ લાગશે. ત્યારે દીકરાએ પણ તૈયારી બતાવી અને ડિઝાઇનર કપડા છોડી રામના પહેરવેશમાં લગ્નમંડપમાં પ્રવેશ કર્યો.

સોર્સ : દિવ્ય ભાસ્કર

Shah Jina