ખબર

સુરતમાં યુવકે આત્મહત્યા કરી અને જયારે પરિવારે મોબાઇલ ચેક કર્યો તો બધા ધ્રુજવા લાગ્યા એવી હકીકત બહાર આવી ગઈ

દેશભરમાં હની ટ્રેપની ઘટનાઓ સતત સામે આવવા લાગી છે, વળી ગુજરાતમાં પણ આવી થોક બંધ ઘટનાઓ સામે આવી છે, કારણ કે આજે મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયા દ્વારા સમય પસાર કરવા માટે તે ઓનલાઇન ચેટિંગ એપ ઉપર હની ટ્રેપ કરતી ગેંગના સભ્યોના જાળમાં પણ ફસાઈ જતા હોય છે.

ઘણા યુવકો અને મોટી ઉંમરના લોકોને યુવતીઓ અને મહિલાઓ સોશિયલ મીડિયા દ્વારા જ પોતાના પ્રેમજાળમાં ફસાવે છે, તેમની સાથે ગંદી ગંદી વાતો કરે છે, વીડિયો કોલની અંદર પણ ના બતાવવાનું બતાવે છે અને આખી ઘટના રેકોર્ડ કરી તેમને બ્લેકમેઈલ કરીને હજારો લાખો રૂપિયા પણ પડાવી લેતી હોય છે.

હાલ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં રાંદેરના ઉગત-ભેંસાણ રોડ પર રહેતા કમ્પ્યુટર ઓપરેટર સાથે એક યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ તેનો બીભત્સ વીડિયો બનાવી બ્લેકમેઇલ કર્યો હતો. જેના બાદ તેની પાસેથી 20 હજાર રૂપિયા ખંખેર્યા બાદ પણ બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યો હતો. જેના કારણે માનસિક તણાવમાં આવીને યુવકે ગળે  ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર મૂળ ઓલપાડનો અને ઉગત-ભેંસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકના આપઘાત કર્યા બાદ તેના પરિવારના સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી.

યુવકના પરિવારજનોને જાણવા મળ્યું હતું કે યુવક સાથે એક યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હતો. યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ગળે ટુંપો ખાધો હતો.

વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માગણી ચાલુ જ રાખી હતી. સમાજમાં બદનામીના ડરે યુવકે 31મી ઓક્ટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી. છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલિટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. યુવકના આપઘાત મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બે લોકોને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.