સુરતમાં કાર ચાલકે બાઈકને ટક્કર મારી યુવકને 12 કિમી સુધી ઢસડ્યો, ધ્રુજાવી નાખે તેવો બનાવ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાંના કેટલાક ચોંકાવનારા તો કેટલાક ભયજનક હોય છે. હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં એક યુવતીને ઢસેડીને તેની હત્યા કરવાની ઘટના હજુ તો તાજી છે ત્યાં આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જેમાં એક કારે બાઈકને ટક્કર મારી અને એક યુવકને કારે 12 કિ.મી સુધી ઢસડ્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું.

ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસે રહેતા 24 વર્ષીય સાગર પાટીલ તેની પત્ની અશ્વિની પાટીલ સાથે બાઈક પર બગુમરા ગામેથી સુરત ઘરે જઈ રહ્યો હતો, ત્યારે 18 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે પલાસાણા તાલુકાના તાંતિથૈયા ગામની સીમમાં પાછળથી કાર ચાલકે ટક્કર મારી હતી અને તે બાદ સાગરની પત્ની રોડ પર પડી ગઇ અને સાગર કારની બોડીમાં ફસાઈ ગયો.

જેને કારણે કારચાલકે અંદાજે સાગરને 12 કિમી સુધી ઢસડ્યો અને તેને કારણે તેનં પ્રાણપંખેરૂ ઉડી ગયુ. આ ઉપરાંત તેનો દેહ પણ ક્ષતવિક્ષત થઈ ગયો. જો કે, ઘટના બાદ મૃતક સાગરની પત્ની અશ્વિની હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી અશ્વિનીની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, આસપાસ કોઈ કેમેરા ન હોવાથી અકસ્માત સર્જનારની કોઈ ભાળ મળતી નહોતી.

પોલિસ અનુસાર, ઘટનાના બે દિવસ બાદ એક જાગૃત નાગરિકે કારના નંબર સાથેનો વીડિયો પોલિસને આપ્યો હતો અને આ વીડિયો આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. ત્યારે વીડિયો બાદ પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી અને કાર જપ્ત કરી, પરંતુ અકસ્માત કરનાર કારચાલક હાલ ફરાર છે. પોલીસ ટૂંક સમયમાં જ અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડશે. દિવ્ય ભાસ્કર દ્વારા આ ઘટના અંગેની માહિતી મેળવવા મૃતક સાગરની પત્ની અશ્વિની પાટીલનો સંપર્ક કરવામાં આવ્યો હતો

અશ્વિનીએ વાતચીતમાં જણાવ્યું કે તે ઉત્તરાયણને લઈ બગુમરા ગામ ખાતે તેના માસીના ઘરે ગઈ હતી અને ગત બુધવારે તેને લેવા સાગર પાટીલનો ફોન આવ્યો અને તે સુરત આવવા તૈયાર થઈ. તે અને તેનો પતિ રાત્રે 10 વાગ્યા આસપાસ બાઈક પર સુરત આવી રહ્યાં હતાં ત્યારે જ રસ્તામાં અચાનક પાછળથી કારવાળાએ બાઇકને અડફેટે લીધુ અને તેને કારણે તે દૂર પડી અને તરત આસપાસથી લોકો પણ આવી ગયા.

તે કહે છે કે તેણે તેના પતિને અંધારામાં રસ્તા પર ખૂબ શોધ્યા, પરંતુ ભાળ ન મળી. તે બાદ તેને શોધતા શોધતા ગામવાળા, કાકા, સુરતથી અશ્વિનીના સસરા આવ્યા તો દરેક લોકોએ સાગરને ખૂબ જ શોધ્યો પણ તે મળ્યો નહીં. અશ્વિનીએ કહ્યુ કે, તેને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને જ્યારે તેની બીજા દિવસે આંખ ખૂલી ત્યારે તેણે પતિ વિશે પૂછ્યું તો તેને ખબર પડી કે પતિ તો ન મળ્યો પણ પતિનો 12 કિલોમીટર દૂરથી મૃતદેહ મળ્યો.

ભારે હૈયે અશ્વિની કહે છે તે આ હરામીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ, અકસ્માત કરીને તેણે મારા પતિની હત્યા કરી નાખી. મારા પતિને હોસ્પિટલમાં મોકલીને જીવ બચાવી શકાયો હોત. મારા પતિ સાથે જેણે પણ આવું કર્યું છે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ.

Shah Jina