સુરતની ભૂરી ડોનની ગેંગની અંદર જ થયો ગેંગવોર, સમાધાન કરવાની વાતને લઈને એકને જાહેરમાં જ રહેંસી નાખ્યો, જાણો સમગ્ર મામલો

સુરતમાં ખેલાયો ખૂની ખેલ… ભૂરી ડોનની ગેંગના લોકો અંદરો અંદર જ બાખડી પડ્યા, એક વ્યક્તિને ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાઓના મામલાઓ સામે આવી રહ્યા છે. સાથે જ ઘણીવાર ભૂરી ડોનનો આતંક પણ જોવા મળતો હોય છે. એવામાં હાલ એક ખબરે લોકોને હેરાન કરી દીધા છે. ભૂરી ડોનની ગેંગમાં જ ગેંગવોર થયો હોવાનું સામે આવી રહ્યું છે અને તેમાં એક અંદરના વ્યક્તિની જ હત્યા થઇ ગઈ.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછામાં આવેલા કમલ પાર્ક સોસાયટી નજીક સુરતની માથાભારે ભૂરી ડોનની ગેંગના જ એક સાગરીત રાહુલ બોદાની ચાકુના ઘા ઝીંકીને તેના જ એક સાથીદાર કલ્પેશ ડાંગોદરાએ હત્યા કરી નાખી. રાહુલ અને તેના મિત્રો કલ્પેશની હત્યાના ઇરાદે તેના ઘરે ગયા હતા પરંતુ કલ્પેશે રાહુલ પાસેથી ચાકુ આંચકી લઈને તેની જ હત્યા કરી નાખી હોવાનું હાલ સામે આવી રહ્યું છે.

હત્યાને અંજામ આપ્યા બાદ કલ્પેશ ડાંગોદરા ફરાર થઇ ગયો હતો. આ અથડામણમાં રાહુલના મિત્રને પણ ઈજાઓ પહોંચી હતી ઉપરાંત કલ્પેશની પત્ની પણ ઘાયલ થઇ હતી. આ મામલે એવી પણ માહિતી સામે આવી છે કે 6 દિવસ પહેલા કલ્પેશ અને રાહુલ બંને સાથે દમણ ગયા હતા અને ત્યાં બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો પણ થયો હતો.

ત્યારે આ વાતની અદાવત રાખીને રાહુલ બોદા તેના મિત્રો સાથે કલ્પેશની હત્યા કરવાના ઇરાદે તેના ઘરે પહોચ્યો હતો પરંતુ કલ્પેશે તેની પાસેથી ચપ્પુ આંચકી લઈને તેની જ હત્યા કરી નાખી હતી. હત્યાની જાણ થતા જ વરાછા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલાની તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ આ અથડામણમાં ઘાયલ થયેલી કલ્પેશની પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 6 દિવસ પહેલા દમણ તે લોકો ફરવા ગયા હતા ત્યારે નશામાં ચકચૂર હતા અને તે દરમિયાન લાઈવ કર્યું અને કલ્પેશની પત્ની લાઈવમાં જોડાતા તેના માટે રાહુલે અપશબ્દો બોલતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. એ વાતની ખાર રાખીને રાહુલ કલ્પેશની હત્યા કરવા આવ્યો હતો.

તો બીજી તરફ મૃતકના ભાઈએ પણ પોતાની ફરિયાદ નોંધાવી છે અને તેમાં જણાવ્યું છે કે 6 દિવસ પહેલા દમણમાં થયેલા ઝઘડાનું સમાધાન કરવા માટે કલ્પેશે તેના ભાઈ રાહુલને પોતાના ઘરે બોલાવ્યો હતો. જેના બાદ રાહુલ તેના બે મિત્રો જીત અને જલદીપ સાથે કલ્પેશના ઘરે ગયો હતો અને ત્યાં કલ્પેશે વાતચીતમાં આપો ખોઈને રાહુલને ચપ્પુના ઘા ઝીંકી દીધા.

Niraj Patel