બેફામ નબીરાઓ પર રોક ક્યારે લાગશે ? સુરતમાં દારૂના નશામાં ધૂત નબીરાએ એક બે નહિ પરંતુ 10 બાઈકને મારી ટક્કર, 3 લોકોની હાલત ગંભીર
Surat Audi hit and run : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો નશાની હાલતમાં બેફામ વાહનો ચલાવે છે અને કોઈ રાહદારીને અડફેટે લેતા હોય છે. આવી ઘટનાઓમાં ઘણા લોકોના મોત પણ થયા છે. ત્યારે અમદાવાદમાં જેગુઆર, પુણેમાં પોર્શ, મુંબઈમાં BMW બાદ હવે સુરતમાં ઓડી કાર દ્વારા એક નબીરાએ અકસ્માત સર્જીને 10 જેટલા બાઈકને હવામાં ફંગોળ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં 3 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ગત રાત્રે એટલે કે 11 જુલાઈના રોજ વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી. અકસ્માત બાદ લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો.
આ અકસ્માત વેસુ કેનાલ રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક સર્જાયો હતો. જેમાં બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યો હોવા છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો.
પરંતુ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. જેના બાદ લોકોએ કારનો પીછો કરીને પકડી પડી હતી અને અંદર બેઠેલા ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર ચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. અકસ્માત સર્જવા સમયે કાર ચાલક નશામાં ધૂત હોવાનું પણ સામે આવ્યું છે.