6 વર્ષના બાળકનું રહસ્યમય મોત:સુરતમાં બાળક પડી જતાં પાપડીનું પેકેટ આપ્યું, ખાતાં ખાતાં સૂઈ ગયો ને અંતિમ શ્વાસ લીધા, માતાનું હૈયાફાટ રુદન
ગુજરાતમાંથી ઘણીવાર રહસ્યમય મોતના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં સુરતના ઉધનામાં એક 6 વર્ષીય બાળકનું રહસ્યમય મોત થયા બાદ ચકચારી મચી ગઇ હતી. બાળક ઘરમાં રમી રહ્યુ હતુ અને તે પછી માતાએ તેને પાપડીનું પેકેટ અપાવ્યું. પાપડી ખાતા ખાતાં બાળક સૂઈ ગયું અને પછી ઉઠ્યુ જ નહિ. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
માતાએ ઉઠાડવાનો પ્રયાસ કરતાં બાળક ના ઉઠતા તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ તબીબે મૃત જાહેર કર્યો. ત્યારે એકના એક દીકરાને ગુમાવ્યા બાદ પરિવારની હાલત ખરાબ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાહુલ સુરવાડે મૂળ મહારાષ્ટ્રના છે, જે પરિવાર સાથે સુરતના ઉધનામાં આવેલ ભીમનગર આવાસમાં રહે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે.
રાહુલ ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે રાહુલનો એકનો એક દીકરો કુલદીપ કે જે છ વર્ષનો હતો તે ઘરે રમતાં રમતાં પડી જતા રડવા લાગ્યો. તે પછી તેની માતાએ તેને નીચેથી પાપડીનું પેકેટ અપાવ્યું અને તે ખાતાં ખાતાં તે સૂઈ ગયો. જો કે, બાદમાં માતાએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ તે ના ઉઠતા આખરે 108 મારફતે તેને હોસ્પિટલ ખસેડાયો હતો.
પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો. દીકરાના મોતની જાણ થતાં પરિવાર માથે પણ આભ તૂટી પડ્યુ હતુ. જ્યારે માતાના હૈયાફાટ રુદનથી સિવિલ હોસ્પિટલમાં પણ ગમગીની છવાઈ હતી. હાલ તો બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે.