સુરતમાં 2 વર્ષનો પુત્ર ગળી ગયો 5નો સિક્કો, શ્વાસ રૂંધાતા પિતા દીકરાને તેડી દોડ્યા હોસ્પિટલ

બાળકોને સિક્કો રમવા આપતા વાલીઓ માટે ચેતવતો કિસ્સો ! બે વર્ષનો પુત્રને પિતાએ 5નો સિક્કો આપ્યો, ગળી જતાં શ્વાસ રૂંધાયો…

સુરતમાં માતા-પિતા માટે ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં એક પિતાએ તેમનો બે વર્ષનો દીકરો રડતો હોવાથી 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો પરંતુ બાળક રમત રમતમાં 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો અને તે શ્વાસ નળીમાં ફસાવાથી તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. જો કે, તાત્કાલિક પિતા તેને તેડી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

માતા-પિતા બાળકની જિંદગી બચાવવાને લઈને રડી પડ્યા હતા. ડોક્ટર દ્વારા ઓપરેશન કરી સિક્કો બહાર કાઢતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઉધના બીઆરસી વિસ્તારમાં આવેલ પ્રભુનગરમાં રહેતા સદામ ઇસફભાઈ હુસેન એક કંપનીમાં સિલાઇ કામ કરે છે અને તેઓ પત્ની અને 2 વર્ષિય પુત્ર સાથે રહે છે.

ત્યારે હાલમાં જ સવારે 9 વાગ્યા આસપાસ સદામ જ્યારે નોકરી ઉપર જઈ રહ્યો હતો ત્યારે પુત્ર રડી રહ્યો હતો અને તેને ચૂપ કરવા માટે સદામે 5 રૂપિયાનો સિક્કો આપ્યો. જો કે, આ પછી તો સદામ નોકરી પર જતો રહ્યો હતો. પરંતુ 2 વર્ષનો માસૂમ રમત રમતમાં 5 રૂપિયાનો સિક્કો ગળી જતા તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ.

આ પછી તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો અને એક્સ-રેમાં શ્વાસ નળીમાં 5 રૂપિયાનો સિક્કો ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું. આ વાતની જાણ થતાં માતા પણ રડવા લાગી હતી. જો કે, ડોક્ટર દ્વારા ઓપરેશન કરી સિક્કો બહાર કાઢી નાખવામાં આવ્યો હતો.

Shah Jina