ખબર

સુરતમાં સોશિયલ મીડિયા ઉપર સ્ટન્ટના વીડિયો બનાવવાનો શોખીન કિશોર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો, ધોરણ 8માં કરતો હતો અભ્યાસ

દુઃખદ : માં-બાપનો એકનો એક 13 વર્ષનો દીકરો મીત ગળેફાંસો ખાઈને લટકી ગયો હતો, દરેક માં-બાપ જરૂર વાંચે આ ઘટના

આજકાલ સોશિયલ મીડિયા ઉપર કંઈક હટકે કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઘણા લોકો એવા એવા કર્તવ બતાવતા હોય છે જેના કારણે તેમને એમ લાગે છે કે તે ફેમસ બની જશે. ખાસ કરીને યુવાનો જીવન જોખમે પણ સ્ટન્ટ કરતા હોય છે. સુરતમાં આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 13 વર્ષના કિશોરનો મૃત દેહ ગળે ફાંસી ખાધેલી હાલતમાં મળી આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત શહેરના સરથાણામાં રહેતો અને સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના મીતનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ તેના ઘરની જ બાલ્કનીમાંથી મળી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મીત સતત મોબાઇલ પર વીડિયો બનાવતો હોવાથી તેની માતાએ મોબાઇલ ફોન લઈ લીધો હતો.

મૂળ અમરેલીના અશ્વિન વીરડિયા પોતાના પરિવાર સાથે સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. તેમને સંતાનમાં દીકરી હેની અને નાનો દીકરો મીત છે. 13 વર્ષનો મીત ધોરણ 8 માં ભણતો હતો. મીતને સ્ટંટ કરવાનો બહુ જ શોખ હતો.

સાથે જ તેને સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો મૂકવાનો પણ ઘણો શોખ હતો. તેથી તે પોતાના સ્ટંટ કરવાના, ડાન્સ કરવાના, ગીત ગાવાના વીડિયો અવારનવાર શેર કરતો હતો. ઘરની બાલ્કની મીતની ફેવરીટ જગ્યા હતી. છેલ્લા પાંચેક વર્ષથી તેને સમય મળે બાલ્કનીમાં જ રમતો અને સ્ટંટ કરતો હતો.

પરંતુ ગઈકાલે અચાનક ઘરની બાલ્કનીમાંથી તેની લાશ મળી આવી હતી. તેણે ગળે ફાંસો ખાધો હતો. જોકે, મીતે જાતે ફાંસો ખાધો કે પછી દુપટ્ટો ગળામાં ભેરવાયો તે હજી સામે આવ્યું નથી. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ફાંસો ખાધો હોવાનું સ્પષ્ટ તારણ જાણવા મળ્યું છે.

13 વર્ષના મીતને વીડિયો બનાવવાનો ખુબ જ શોખ હતો એક વર્ષમાં જ તેને 500 જેટલા વીડિયો બનાવી લીધા છે. પરંતુ સતત મોબાઈલ સાથે રહેવું મીતની માતાને પસંદ નહોતું જેના કારણે તેને મોબાઈલ લઇ લીધો હતો. મીતે શા કારણે આત્મહત્યા કરી તે હજુ સામે નથી આવ્યું.