સુરતમાં 12 વર્ષની આન્સી વૈભવી જીવન છોડી અને સંસારનો ત્યાગ કરી જઇ રહી છે સંયમના માર્ગે, કરોડપતિ વેપારીની દીકરી છે આન્સી

જૈન સમાજના કેટલાક લોકો તો વૈભવી જીવન છોડી દીક્ષા ગ્રહણ કરતા હોય છે અને હવે તો ઘણા સમયથી આવું બનતા લાગી રહ્યુ છે કે, તે લોકો માટે આ સામાન્ય વાત બની ગઇ છે. આપણે ઘણા એવા લોકો જોયા હશે જેમને સંસારમાંથી મોહ માયા ઉડી જતા તે આધ્યાત્મિકતા તરફ વળતા હોય છે અને દીક્ષા ગ્રહણ કરીને પોતાનું સમસ્ત જીવન પ્રભુ શરણે વિતાવવા લાગે છે. ત્યારે હાલ ફરી એકવાર દીક્ષાની મોસમ આવી હોય તેમ લાગી રહ્યુ છે.

સુરતમાં એક કરોડપતિ પરિવારની દીકરી છે જે માત્ર 12 વર્ષની છે અને તેનું નામ આન્સી છે, તે તેનુ વૈભવી જીવન છોડી હવે સંયમના માર્ગે ચાલી નીકળી છે. આન્સીએ માત્ર 4 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને તે હરવા ફરવાની પણ ઘણી શોખીન છે.

આન્સીની ખાસ વાત તો એ છે કે તે સંસ્કૃતનું ખૂબ સરસ રીતે વાંચન કરે છે. તેણે 12 વર્ષની નાની ઉંમરે હજારો મંત્રો યાદ કર્યા છે. તે નાની હતી ત્યારથી તે આધ્યાત્મિકના વિચારો તરફ વરેલી હતી. તે પરિવાર સાથે અલગ અલગ જગ્યાએ જવાનું અને ફરવાનું પસંદ કરતી હતી. જણાવી દઇએ કે, તેણે માત્ર 9 વર્ષની નાની ઉંમરે 30 દિવસનું માસ ક્ષમણનું તપ પણ કર્યુ હતુ. ત્યારે હવે તે 12 વર્ષની ઉંમરે વૈભવી જીવન છોડી સંયમના માર્ગે જઇ રહી છે.

તેણે માસ ક્ષમણ સિવાય પણ અનેક આકરા તપ કર્યા હતા. તેણે 6 વર્ષની ઉંમરે અઠ્ઠાઇ તપ એટલે કે આઠ ઉપવાસ, 7 વર્ષની ઉંમરે 16 ઉપવાસ અને અનેક તપ કરતી હતી. તેને આવી રીતે જોતા પરિવારના લોકો સમજી ગયા હતા કે તે કયારેક દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરશે. આખરે હવે આન્સીએ માતા-પિતા અને પરિવાર સામે દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરી અને બધાએ હાસ્ય સાથે આ વાતને સ્વીકારી પણ છે.

દીવ્યભાસ્કરના રીપોર્ટ અનુસાર આન્સીના પિતા દીપકભાઈ કે જેઓ વેપારી છે. તેમણે જણાવ્યું કે, આન્સી નાનપણથી ખૂબ જ ધાર્મિક હતી. તેને હરવા ફરવાનો ઘણો શોખ હતો અને ટીવી પર તેની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ફેવરીટ હતી. તે તમામ કલાકારોની ખૂબ જ મોટી ચાહક હતી. દીપકભાઇએ આન્સીની દીક્ષાની વાત કરતા જણાવ્યુ કે, આન્સી સંયમના માર્ગ પર ખૂબ જ સારી રીતે આગળ વધે અને જન કલ્યાણ માટે કાર્ય કરતી રહે એવી અમે આશા રાખીએ છે.

ઉલ્લેખનીય છે કે, પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 2022 ફેબ્રુઆરી મહિનામાં આન્સી દીપકભાઇ શાહ દીક્ષા ગ્રહણ કરશે. આ પર દીપકભાઇએ કહ્યુ કે, આ અમારા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હશે. પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 400મી દીક્ષા થવા જઈ રહી છે. તેને અમે સહુ ધન્યતા અનુભવી રહ્યા છે.

Shah Jina